ન્યૂ યોર્કઃ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં છેલ્લા કેટલાક સમયથી મોટી અફરાતફરી જોવા મળે છે. એક તબક્કે તેનું મૂલ્ય વધીને ૬૫૦૦૦ ડોલરને પાર કરી ગયું હતું. જોકે શનિવારે તેનાં મૂલ્યમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હતો. એક સમયે તો તેનું મૂલ્ય ઘટીને ૪૨૨૯૬ ડોલરની સપાટીએ પહોંચી ગયું હતું. અલબત્ત આ પછી તેમાં સુધારો થયો હતો અને ૪૭૬૦૦ ડોલરની આસપાસ ટ્રેડ થતો હતો. આમ તેમાં ૧૧ ટકાનો ઘટાડો જળવાઈ રહ્યો હતો. બિટકોઈનમાં આ ઘટાડો ગ્લોબલ ઈકોનોમીમાં ઘટાડો અને મંદીનાં સંકેત આપે છે.
બિટકોઈનની સાથે કાર્ડેનો, સોલાના પોલિગન તેમજ શીબા ઈનુનાં મૂલ્યમાં પણ ૧૩થી ૨૦ ટકાનો ઘટાડો થયો હતો. તો ઈથેરનાં મૂલ્યમાં પણ ગાબડાં જોવા મળ્યા છે. ઈથેરનું મૂલ્ય એક તબક્કે ઘટીને ૩૯૦૦ ડોલરનાં સ્તરે આવી ગયું હતું. કોઈનગેકોનાં જણાવ્યા મુજબ ક્રિપ્ટો સેક્ટરમાં ૨૦ ટકાનાં સર્વાંગી ઘટાડા સાથે તેનું મૂલ્ય ઘટીને ૨.૨ ટ્રિલિયન ડોલર થયું હતું.
નાણાં બજારમાં હલચલ
વિશ્વનાં ફાઈનાન્શિયલ માર્કેટમાં વધઘટની સાથે ક્રિપ્ટો કરન્સીનાં મૂલ્યમાં અફરાતફરી જોવા મળી છે. વધતા જતા ફુગાવાને કારણે કેટલાક દેશોની સેન્ટ્રલ બેન્કોને નાણાંકીય નીતિ વધુ કડક બનાવવાની ફરજ પડી છે. પરિણામે માર્કેટમાં લિક્વિડિટીમાં ઘટાડો થયો છે અને જુદીજુદી એસેટ્સનું મૂલ્ય ઊંચકાયું છે. કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે માર્કેટમાં જોખમો વધ્યા છે.
બિટકોઈન્સમાં ગાબડું પડયા પછી તેને ખરીદનારો એક વર્ગ માર્કેટમાંથી બહાર નીકળી ગયાનું ક્રિપ્ટો એક્સચેન્જ લૂનોનાં એશિયા પેસિફિક હેડ વિજય ઐયરે જણાવ્યું હતું. ઓમિક્રોનના લીધે ઈકોનોમી અને માર્કેટમાં અનિશ્ચિતતા હોવાથી હાલ કશું કહેવું મુશ્કેલ છે. શનિવારે માર્કેટમાં ક્રિપ્ટોમાં ૨.૪ બિલિયન ડોલરનું રોકાણ લિક્વિડેટ થયું હતું, જે ૭ સપ્ટેમ્બર પછી મોટામાં મોટું ધોવાણ છે. ૧૦ નવેમ્બરે બિટકોઈન્સે ટોચની ૬૯૦૦૦ ડોલરની રેકોર્ડબ્રેક સપાટી હતો.