વોશિંગ્ટનઃ વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક બિલ ગેટ્સે ૨૭ વર્ષના લગ્નજીવન બાદ વોશિંગ્ટનની કિંગ કાઉન્ટી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. ૬૫ વર્ષના બિલ અને ૫૬ વર્ષના મેલિન્ડા ગેટ્સ વચ્ચે કંઇક ગરબડ હોવાની ચર્ચા ગયા વર્ષની એક ઘટનાના પગલે શરૂ થઇ હતી. તે સમયે બિલે માઇક્રોસોફ્ટ તેમજ વિશ્વના જાણીતા રોકાણકાર વોરન બફેટની કંપની બર્કશાયર હેથવેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાંથી રાજીનામું આપી દીધું હતું. આ સમયે તેમણે કારણ આપ્યું હતું કે તેઓ પરિવાર સાથે વધુ સમય ગાળવા માગે છે.
ઘણાં મીડિયા જૂથોએ ગેટ્સ દંપતીના છૂટાછેડાની સરખામણી એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ અને મેકેન્ઝી સ્કોટના છુટાછેડા સાથે કરી છે, પણ બિલ-મેલિન્ડાનો કેસ અલગ છે. ગેટ્સ દંપતીના છૂટાછેડાની અસર માત્ર માઇક્રોસોફ્ટ, ગેટ્સ પરિવારની કંપનીઓ કે તેમની મિલકતો સુધી જ મર્યાદિત નહીં રહે. ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં ચાલતા સ્વાસ્થ્ય કાર્યક્રમો, ક્લાઇમેટ ચેન્જ પોલિસી અને સામાજિક મુદ્દા પર પણ અસર પડી શકે છે. તેનું કારણ બિલ-મેલિન્ડાનું ફાઉન્ડેશન છે, જે દુનિયાભરમાં આ ક્ષેત્રોમાં કાર્યરત છે અને સંલગ્ન પહેલ પાછળ અત્યાર સુધીમાં ૫૦ બિલિયન ડોલર (અંદાજે ૩.૫ લાખ કરોડ રૂપિયા)થી વધુ રકમ ખર્ચી ચૂક્યું છે. ફાઉન્ડેશન આવા સખાવતી કાર્યો પાછળ દર વર્ષે ૩૭ હજાર કરોડ રૂપિયા વાપરે છે.
કોરોના મહામારી સામે લડવા પણ ગેટ્સ ફાઉન્ડેશને અંદાજે ૮ હજાર કરોડ રૂપિયાની મદદ કરી છે. કોરોનાની વેક્સિન શોધવાની પહેલમાં પણ બિલ ગેટ્સે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ૯૨ ગરીબ દેશ સહિત ડઝનબંધ દેશો માટે કોવેક્સ નામથી એક આંતરરાષ્ટ્રીય પહેલ શરૂ થઇ છે, જેમાં ગેટ્સ ફાઉન્ડેશનની મહત્ત્વની ભૂમિકા છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રો. રોબ રાઇખ કહે છે કે બિલ-મેલિન્ડાના છૂટાછેડાની દુનિયાભરમાં તેમના ફાઉન્ડેશનના કામકાજ પર અસર થઇ શકે છે. બિલ-મેલિન્ડા તરફથી માત્ર એટલું જ જણાવાયું છે કે તેઓ પરોપકારના કાર્યો સાથે મળીને કરતા રહેશે. બફેટે પણ ગેટ્સ ફાઉન્ડેશનને અબજો ડોલરનું દાન આપેલું છે. તેઓ હયાત નહીં હોય ત્યારે પણ તેમની સંપત્તિનો મોટો હિસ્સો ફાઉન્ડેશનને મળવાનો છે. ધનિકો તેમની સંપત્તિના મોટા હિસ્સાનું દાન કરે તે માટે ૨૦૧૦માં બફેટ અને બિલે ‘ગિવિંગ પ્લેજ’ નામની પહેલ કરી હતી. મહત્ત્વની વાત એ છે કે અમેરિકામાં સૌથી વધુ જમીનો ગેટ્સ પરિવાર પાસે છે. તેથી દુનિયાને એ જાણવામાં રસ હશે કે આ છૂટાછેડાથી મેલિન્ડાને ખાધાખોરાકી પેટે કેટલી રકમ મળશે.
છુટાછેડાનું કારણ ધનિકો પરનો જંગી ટેક્સ?
બિલ ગેટ્સના છૂટાછેડાનું એક કારણ ધનિકો પર વધારાના ટેક્સની બાઇડેન સરકારની નીતિ હોવાનું પણ ચર્ચાય છે, જે અંતર્ગત પરિણીત અને અઢળક કમાતા લોકોએ ૪ ટકા મેરેજ પેનલ્ટી ટેક્સ ભરવાની જોગવાઇ છે. મની મેનેજમેન્ટ એક્સપર્ટ એલવિના લો કહે છે કે છૂટાછેડાના ઘણાં કારણ હોઇ શકે છે પણ પેનલ્ટી ટેક્સથી બચવાની વાત કરીએ તો ગેટ્સ ૪ બિલિયન ડોલર બચાવી લેશે.