વોશિંગ્ટનઃ અમેરિકાના એક મહિલા મેગેઝિને બિલ ગેટ્સના કર્મચારીના નામે દાવો કર્યો છે કે બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટમાં કામે આવવા ર્મિસડીઝ કાર લઈ આવતા હતા. જ્યારે એમનો સહાયક એક ગોલ્ડન બ્રાઉન પોર્શ કાર લઈ આવતો. પછીથી બિલ ગેટ્સ એ કારમાં બેસી મહિલા મિત્રોને મળવા ગુપ્ત રીતે ઊપડી જતા હતા.
વિશ્વના નંબર વન ધનપતિ તરીકે વર્ષો યાદીમાં મોખરે રહેનાર ૬૫ વર્ષના બિલ ગેટ્સ અને તેની પત્ની મેલિન્ડા ગેટ્સે ૨૭ વર્ષના લગ્નજીવન પછી અચાનક ચોથી મેના રોજ છૂટાછેડા લેવાના છીએ એવી જાહેરાત કરતાં જ બિલ ગેટ્સના રંગીન સ્વભાવ અને મહિલાઓ પર દબાણ કરવાના કિસ્સા રોજેરોજ સમાચારોમાં આવી રહ્યા છે. માઈક્રોસોફ્ટના કર્મચારીએ પાકી શંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમને ખાતરી છે કે બિલ ગેટ્સ આ રીતે કોઈને ખબર ન પડે એ રીતે મુલાકાતો કરી લેતા હતા. બિલ ગેટ્સ કાર ખરીદવાના જબરજસ્ત શોખીન હતા, તેમાંય પોર્શ કાર એમની નબળાઈ હતી.
માઈક્રોસોફ્ટના અન્ય એક કર્મચારીએ જણાવ્યું કે બિલ ગેટ્સ એમનું આખા દિવસનું શિડયુઅલ પાંચ પાંચ મિનિટના બ્લોક્સમાં બનાવતા હતા. આખા જગતમાં એના જેવો ટાઈટ શિડયુઅલ બનાવનાર બીજો કોઈ ભાગ્યે જ હશે. એવામાં તે ફાલતું કામ માટે સમય બગાડે એ શક્ય નથી લાગતું.
મેગેઝિને દાવો કર્યો હતો કે મેલિન્ડા ગેટ્સે ખાનગી જાસૂસી કરતી કંપનીમાં કામ કરતા પોતાના મિત્ર પાસે બિલ ગેટ્સની હિલચાલની જાસૂસી કરાવી હતી. જોકે મેલિન્ડાના પ્રવક્તાએ મિલિન્ડાએ કદી જાસૂસી નથી કરાવી એવું ભારપૂર્વક જણાવ્યું હતું.