વોશિંગ્ટનઃ અમેરિકાના બિલિયોનેર બિઝનેસમેન બ્રેન જોન્સન હવે વય ઘટાડવાની ફોર્મ્યુલા વેચી રહ્યા છે. તેમનો દાવો છે કે તેઓએ આ ફોર્મ્યુલાથી પોતાની બાયોલોજિકલ એજ (જૈવિક વય) 5.1 વર્ષ ઓછી કરી લીધી છે. આના માટે તેઓ દર વર્ષે પોતાના પર આશરે 17 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. હવે તેઓ યુવા રહેવા માટેની આ ફોર્મ્યુલા વેચી રહ્યા છે. જોન્સને યુવા દેખાવા માટેની પોતાની ઝુંબેશને પ્રોજેક્ટ બ્લૂપ્રિન્ટ નામ આપ્યું છે. આમાં તેઓ સ્પેશિયલ ડાયેટની સાથે સાથે દરરોજ 100થી વધારે મિનરલ્સની ગોળીઓ ગળે છે. હવે જોન્સન ‘બ્લુપ્રિન્ટ સ્ટેક’ના નામથી આ એન્ટી-એજિંગ સિક્રેટને વેચી રહ્યા છે. આ પેકેજમાં ડ્રિન્ક્સ મિક્સ, પ્રોટીન, આઠ ગોળી, સ્નેક ઓઇલ, 67 પાવરફુલ થેરપી અને 400 કેલરીનો સામેલ છે. જોન્સનનું કહેવું છે કે 1000થી વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ બાદ પોતે આ ‘ફોર્મ્યુલા’ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. જોકે આ મામલે નિષ્ણાતો અને ડોક્ટરમાં કોઈ સહમતી નથી. જોન્સન કહે છે કે તેમની પ્રોડક્ટસ હાલના સમયમાં 23 દેશોમાં ઉપલબ્ધ છે. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ચેક ગણરાજ્ય, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, નોર્વે, પોલેન્ડ, યુએઇ જેવા દેશો સામેલ છે.