ટોકિયો: કોરોનાની મહામારી પૂરી પણ નથી થઇ ત્યાં તો જગત સામે નવી સમસ્યા મોઢું ફાડીને ઉભી થઇ ગઇ છે. બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી મંદી તરફ વિશ્વ આગળ વધી રહ્યું હોવાનું નિષ્ણાતો માને છે. ફ્રાન્સના નાણાપ્રધાને પણ સોમવારે કહ્યું હતું કે દેશનો વિકાસદર બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી નીચો જવાની શક્યતા છે. જોકે આવું કહેનારા તેઓ પહેલા નથી. અનેક યુરોપિયન દેશોના પ્રધાનો અગાઉ આવો ભય વ્યક્ત કરી ચૂક્યા છે. યુનાઇટેડ નેશન્સ સહિતની સંસ્થાઓ પણ વિશ્વ મંદી તરફ આગળ વધી રહ્યું હોવાનો સૂર પુરાવી ચૂકી છે. વિશ્વનું ત્રીજા ક્રમનું મોટુ અર્થતંત્ર ધરાવતા જાપાને ટોકિયો સહિત છ વિસ્તારમાં કટોકટીની જાહેરાત કરી છે.
ફ્રાન્સ કોરોના વાઇરસને કારણે બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી મંદી તરફ આગળ વધી રહ્યું છે તેમ ફ્રાન્સના નાણાં પ્રધાન બ્રુનો લી મેરીએ જણાવ્યું છે. તેમણે સંસદીય સમિતિને જણાવ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ એટલે કે ૧૯૪૫ પછી પ્રથમ વખત ૨૦૦૯માં માઇનસ ૨.૨ ટકા વિકાસ દર નોંધાયો હતો. ૨૦૨૦માં કોરોનાને કારણે વિકાસ દર માઇનસ ૨.૨ ટકાથી પણ વધારે ખરાબ જોવા મળશે.
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે પણ અગાઉ જણાવ્યું હતું કે કોરોનાને કારણે સર્જાનારી આર્થિક કટોકટી ૨૦૦૮-૦૯ની મંદી કરતા ઘાતક હશે. વિકસી રહેલા અને નાનું અર્થતંત્ર ધરાવતા દેશોની સરકારને આઈએમએફએ ખાસ ધ્યાન રાખવા સૂચના આપી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે. એક અંદાજ એક મહિનાના લોકડાઉનને કારણે વર્ષના કુલ જીડીપીમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં ૧૭ માર્ચથી રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન ૧૫ એપ્રિલ સુધી ચાલુ રહેશે.
જાપાને ટોકિયો અને અન્ય છ વિસ્તારમાં ઇમર્જન્સી લાગુ કરી દીધી છે. જાપાનમાં હજુ કેસની સંખ્યા ચાર હજારથી ઓછી છે, પરંતુ ટોકિયોમાં એક હજાર કેસ નોંધાયા છે. આથી સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે એ પહેલા જ સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં ૩.૬૧ લાખ લોકો પ્રોવિડન્ટ ફંડ અને અન્ય બચતના નાણા ઉપાડવા માટે સરકારને અરજી કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા સરકારે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે આર્થિક સંકટમાં હોય એ લોકો આ પ્રકારની બચત ઉપાડી શકશે. એ પછી ૩.૬ લાખ લોકોની સરકાર પાસે અરજી આવી છે. આ અરજીમાં આગામી દિવસોમાં વધારો થાય તેવી પણ શક્યતા છે. ઓસ્ટ્રેલિયન સરકારનો અંદાજ છે કે આ રીતે દેશમાં કુલ ૧૬.૩ બિલિયન યુએસ ડોલર જેટલી રકમ લોકો ઉપાડશે. એ રકમ અર્થતંત્રમાં ફરતી થશે તો આર્થિક સ્થિતિ બગડતી અટકાવી શકાશે.