વોશિંગ્ટનઃ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ૧૩મીએ તેમના બીજા મહાભિયોગના કેસમાં છોડવામાં આવ્યા છે. છઠ્ઠી જાન્યુઆરીએ કેપિટલ હિલમાં થયેલી હિંસા અંગે મહાભિયોગની પ્રક્રિયામાં ૪ દિવસની ચર્ચા પછી સેનેટમાં મતદાન થયું હતું, જેમાં ૫૭ સેનેટરે તેમને હિંસા ઉશ્કેરવાના દોષી જાહેર કર્યાં હતાં જ્યારે ૪૩ સેનેટર તેના પક્ષમાં નહોતા. એવામાં ટ્રમ્પને દોષી કરાર કરી દેવા માટે સેનેટને બે તૃતીયાંશ બહુમતી ન મળી શકી.
મહાભિયોગ માટે ૬૭ વોટની જરૂર
૧૦૦ સભ્યોના સેનેટમાં ડેમોક્રેટ સાંસદોની સંખ્યા ૫૦ છે અને ટ્રમ્પને દોષી જાહેર કરવા માટે બે તૃતિયાંશ બહુમતી (૬૭)ની જરૂર હતી. ટ્રમ્પના વિરુદ્ધ આનાથી ૧૦ ઓછા એટલે કે ૫૭ વોટ પડ્યા. ૬ રિપબ્લિકન સાંસદોએ પણ ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યું. આમ છતાં ટ્રમ્પ મહાભિયોગથી બચવામાં સફળ થયા. જે ૭ રિપબ્લ્કિન સાંસદો (ટ્રમ્પની પાર્ટી)એ મહાભિયોગના પક્ષમાં મતદાન કર્યું તેમાં બિલ કૈસિડી, રિચર્ડ બર્ર, મિટ રોમની, સુઝેન કોલિંસ, લીઝા મરકોસ્કી, બેન સેસ અને પિટ ટુમી સામેલ છે.
મહાભિયોગનો પ્રસ્તાવ
ટ્રમ્પ વિરુદ્ધ ગત વર્ષે પણ મહાભિયોગનો પ્રસ્તાવ લવાયો હતો. સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સના બહુમતના કારણે તે પાસ થઈ ગયું હતું, પણ સેનેટમાં રિપબ્લિકન્સની મેજોરિટીના કારણે પ્રસ્તાવ પડી ગયો હતો. ટ્રમ્પનો આરોપ હતો કે, તેમણે બાઈડેન વિરુદ્ધ તપાસ શરૂ કરવા માટે યુક્રેન પર દબાણ કર્યું હતું. અંગત અને રાજકીય ફાયદા માટે પોતાની શક્તિઓનો દૂરઉપયોગ કરી ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના પક્ષમાં યુક્રેન પાસે મદદ માગી હતી.