બુડાપેસ્ટ: યુદ્ધગ્રસ્ત યૂક્રેનથી હિજરત કરીને વખાનાં માર્યા હંગેરીના બુડાપેસ્ટ આવી રહેલા ભારતીયો અને શરણાર્થીઓને અહીંના સૌથી જૂનાં મહારાજા રેસ્ટોરાંમાં મફત ભોજન આપવામાં આવી રહ્યું છે. જે ભારતીયો દેશમાં પાછા જવા બુડાપેસ્ટ આવી રહ્યા છે તેમને અહીં રહેવાની અને ભોજનની વ્યવસ્થા મફતમાં કરાઈ છે. રેસ્ટોરાંના માલિક કુલવિન્દર સિંહે કહ્યું હતું કે તેઓ ધર્મનિષ્ઠ શીખ છે અને મફત ભોજન માટે લંગરની વ્યવસ્થા કરી છે.
બુડાપેસ્ટ આવનારાની સંખ્યા સતત વધી રહી છે. પહેલાં 300 વિદ્યાર્થીઓ આવ્યા હતા, પછી 800 લોકો અને પછી તો સંખ્યા વધીને 1500 લોકો સુધી પહોંચી હતી, તમામ માટે ફ્રી ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. સવારે ચાર વાગ્યાથી ભોજન બનાવવાની કામગીરી શરૂ કરાય છે. તેમની પાસે 12 જેટલા કર્મચારીઓ છે. ભોજન પેક કરવા મિત્રો અને પડોશીઓ પણ મદદ કરે છે. તેઓ યુરોપમાં 40 વર્ષથી રહે છે. 1994માં તેમણે મહારાજા રેસ્ટોરાંની શરૂઆત કરી હતી. ભારતીય વિદ્યાર્થીઓને દૂતાવાસ પાસેથી મદદની આશા છે. ત્યાં લોકોને સેન્ડવિચ તો અપાય છે પણ લોકોને ખરેખર ગરમાગરમ ભોજનની જરૂર છે.
હરિયાણવી યુવાને બોમ્બમારા વચ્ચે પાક. યુવતીને બચાવી
હરિયાણાના અંકિત નામના યુવાને પાકિસ્તાનની મારિયા નામની ફસાયેલી યુવતીને બચાવી હતી. પાકિસ્તાની અધિકારીએ પણ આ પછી તો અંકિતની દરિયાદિલીનાં વખાણ કર્યા હતાં. અંકિત યૂક્રેનના શહેરમાં પોલિટેક્નિક ઈન્સ્ટિટયૂટમાં યૂક્રેનની ભાષાનો અભ્યાસ કરે છે. તેણે ભીષણ બોમ્બમારા વચ્ચે મારિયા સાથે 25 કિમી સુધી પગપાળા ચાલીને તેને રોમાનિયાની બોર્ડર સુધી પહોંચાડી હતી.