લંડનઃ તમારે માયામીથી લંડન જવું હોય તો વિમાનપ્રવાસમાં 8.45 કલાક થાય છે, પરંતુ હવે આ અંતર પાંચ કલાકમાં કાપી શકે એવા વિમાનની ટેસ્ટ ફ્લાઇટ માટે તૈયારી થઈ ચૂકી છે. આ વિમાનની લંબાઈ 201 ફૂટ છે. અને તે સાવ ઓછું ફ્યુઅલ વાપરનાર અને સાવ ઓછો અવાજ કરનાર ચાર એન્જિન થકી ઊડે છે. તેની પાંખની ડિઝાઈન એવી છે કે વિમાનને પાછળ ખેંચતો ડ્રેગ ખાસ્સો ઓછો કરી દે છે. અને આ જ ડિઝાઇન તેને અવાજ કરતાં વધારે ગતિએ ઉડાવે છે. વળી, આ વિમાનનું બોડી કમ્પોઝિટ કાર્બન મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે, જે સાવ ઓછા વજનનું અને ખૂબ મજબૂત છે.
ટેક ઓફ કર્યા પછી 60 હજાર ફૂટ ઊંચે જઈને અવાજની ગતિથી પોણા બે ગણી (2092 કિલોમીટર) સ્પીડે ઊડે છે. સળંગ 7866 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. વૈભવી કેબિનો બનાવવામાં આવે તો 65 અને સામાન્ય કેબિન હોય તો તે 80 પેસેન્જર સમાવી શકે છે. અમેરિકન એરલાઇન્સ આવા 20 ઓવર્ચર જેટ વિમાનોનો ઓર્ડર મૂકી દીધો છે. અત્યારે ફ્લાઇટ માટે ન્યૂ યોર્ક-લંડન, માયામી-લંડન, પેરિસ-મોન્ટ્રીઅલ અને બોસ્ટન-માડ્રીડ એમ ચાર રૂટ નક્કી થયા છે. જો બધું સમુસૂતરું પાર પડ્યું તો 2026માં ટ્રાયલ ફ્લાઇટ શરૂ થઇ જશે.