દુબઇના બુર્જ ખલીફાની ટોચ પર ઊભેલી આ મહિલા કંઈ સ્ટંટ વુમન નથી કે જે આવું કોઈ દુઃસાહસ કરવા માટે ત્યાં આવી હોય. વાસ્તવમાં આ યુએઈની એક એરલાઈન કંપનીના શૂટિંગ માટે ઊભેલી મોડેલ છે. આ એરલાઈન કંપની તેની નવી એડના શૂટને લઈને ચર્ચામાં છે. એરલાઈન કંપનીએ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાની ટોચ પર આ જાહેરાત શૂટ કરી છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એરલાઈનના ક્રૂ મેમ્બરના ડ્રેસમાં એક મહિલા બુર્જ ખલીફાની ટોચ ઉપર ઊભી છે. આ મહિલા પોતાના હાથમાં પ્લેકાર્ડ દેખાડી રહી છે. મહિલાનું નામ નિકોલ સ્મિથ લુડવિક છે. તે આ જાહેરાતમાં બુર્જ ખલીફાની ટોચ પર એરલાઈન્સના ડ્રેસમાં જુદી જુદી તક્તિઓ લઈને ઊભેલી દેખાય છે. તેમાં લખેલું છે કે યુએઈને યુકેના એમ્બર લિસ્ટમાં લઈ જવાથી અને વિશ્વમાં ટોચ પર હોવાનો અહેસાસ થયો. ઉલ્લેખનીય છે કે આ એરલાઈને તાજેતરમાં આ રસપ્રદ જાહેરાત કરી છે. આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. વિશ્વની સૌથી ટોચની ઈમારતોમાં બુર્જ ખલીફાનું નામ છે. તેમાં પણ તેની ટોચે પહોંચવું ખરેખર બહાદુરીનું કામ છે. નિકોલે પણ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. તેણે કહ્યું હતું કે મેં કરેલા અનેક સ્ટંટમાં આ એક સૌથી રોમાંચક સ્ટંટ છે. આ વીડિયો જોઈને યુઝર્સે બહુ બધા રિએક્શન આપ્યા છે.