ઢાકાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસે દ્વિપક્ષી સંબંધોના ઇતિહાસમાં સોનેરી પૃષ્ઠ ઉમેર્યું છે. ભારત-બાંગ્લાદેશે લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ (જમીન સરહદ કરાર) પર હસ્તાક્ષર કર્યા છે. બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબ ઉર રહેમાનના કાર્યકાળમાં આ કરાર માટે સમજૂતી થઇ હતી, જેના પર ૪૧ વર્ષના લાંબા અરસા બાદ બન્ને દેશોએ હસ્તાક્ષર કરીને તેને નક્કર સ્વરૂપ આપ્યું છે. આ કરારના પગલે બંને દેશો વચ્ચેના ચાર દસકા જૂના સરહદી વિવાદનો અંત આવશે.
આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોના મતે આ કરારથી ભારત-બાંગ્લાદેશના ભૌગોલિક નક્શા તો બદલાશે જ, પણ સંબંધોનો નકશો પણ બદલાશે. સરહદી તણાવ ઘટવાથી સંબંધો ઘનિષ્ઠ બનશે અને દ્વિપક્ષી વિકાસને વેગ મળશે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગયા શનિવારે વડા પ્રધાન મોદી, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીની ઉપસ્થિતિમાં બન્ને દેશો વચ્ચે દસ્તાવેજોની આપ-લે થઇ હતી. આ કરારને પગલે ૧૯૭૪માં ભારત-બાંગ્લાદેશ વચ્ચે ૧૬૨ ગામોનાં આદાન-પ્રદાન માટે થયેલી સમજૂતી કાર્યાન્વિત બની છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સંસદે ગયા મે મહિનામાં બજેટ સત્ર દરમિયાન ભારત-બાંગ્લાદેશ લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ પર સર્વાનુમતે મંજૂરીની મ્હોર મારી હતી.
ભારતના વિદેશ સચિવ એસ. જયશંકર અને તેમના બાંગ્લાદેશી સમકક્ષ શાહીદ ઉલ હકે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સરહદ કરાર પર સહી-સિક્કા થતાં જ તેના અમલનો માર્ગ મોકળો થયો છે, જે અંતર્ગત ભારતના ૧૧૧ સરહદી ગામો બાંગ્લાદેશમાં જશે જ્યારે બાંગ્લાદેશના ૫૧ ગામો ભારતને મળશે. ભારતની ૧૦,૦૦૦ એકર જમીન બાંગ્લાદેશમાં જશે અને બાંગ્લાદેશની ૫૦૦ એકર જમીન ભારતને મળશે. આ ઉપરાંત ૫૦ હજારથી વધુ લોકોના નાગરિકત્વનો પ્રશ્ન પણ ઉકેલાશે.
વડા પ્રધાન મોદીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટને જર્મનીમાં બર્લિનની દીવાલ તોડવાની ઘટના સાથે સરખાવતા કહ્યું હતું, ‘આ એક વિરાટ ઘટના છે. આ ઘટના દુનિયાના અન્ય ભાગમાં હોત તો એની મોટા પાયે ચર્ચા થઇ હોત... અમે નોબેલ પુરસ્કાર આપવા માટેનો રસ્તો ખોલી નાખ્યો છે. જોકે અમને કોઇ નહીં પૂછે, કારણ કે આપણે ગરીબ દેશ છીએ.’ મોદીની આ પ્રથમ બાંગ્લાદેશ મુલાકાત હતી.
બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન જમીન સરહદ કરાર ઉપરાંત વિવિધ ક્ષેત્રે કુલ ૨૨ કરાર કરાયા હતા. જેમાં બંને દેશોને જોડતી ટ્રાન્સ બોર્ડર બસસેવાના પ્રારંભથી માંડીને ભારતની મદદથી બાંગ્લાદેશમાં ૪૬૦૦ મેગાવોટ વીજળીની ઉત્પાદનક્ષમતા ધરાવતાં વીજમથકોના નિર્માણનો સમાવેશ થાય છે. વડા પ્રધાને બાંગ્લાદેશને બે બિલિયન ડોલરની ઋણ-સહાય પણ જાહેર કરી હતી. યજમાન વડા પ્રધાન શેખ હસીના ગયા શનિવારે પ્રોટોકોલ તોડીને મોદીને આવકારવા શાહ જલાલ એરપોર્ટે પહોંચ્યાં હતાં.
મોદીને અહીં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. એરપોર્ટથી મોદી સીધા શહીદ સ્મારક પહોંચ્યા હતા, જ્યાં તેમણે ૧૯૭૧ના યુદ્ધના શહીદોને અંજલી અર્પી હતી અને બે મિનિટનું મૌન પણ પાળ્યું હતું. સ્મારક સંકુલમાં મોદીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું તેમ જ વિઝિટર્સ બૂકમાં સહી કરી હતી.
શહીદ સ્મારકથી તેઓ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબ ઉર રહેમાનની સ્મૃતિમાં બનાવાયેલા બંગબંધુ મેમોરિયલ મ્યુઝિયમની મુલાકાતે ગયા હતા. જ્યાં મુજીબ ઉર રહેમાનના પૌત્ર શેખ રદવાન સિદ્દીક તથા બંગબંધુ મેમોરિયલ ટ્રસ્ટના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. બંગબંધુ મેમોરિયલ મ્યૂઝિયમમાં મોદીએ વીસેક મિનિટ સુધી મુજીબ ઉર રહેમાનની અંગત ચીજવસ્તુઓ રસપૂર્વક નિહાળી હતી.
૪૧ વર્ષ જૂનો ઇતિહાસ
સન ૧૯૭૧માં પાકિસ્તાન સાથેનાં યુદ્ધ બાદ બાંગ્લાદેશની રચના વેળા ભારત સાથેની સરહદો સ્પષ્ટ થઇ શકી નહોતી. આથી ત્રણ વર્ષ બાદ ૧૯૭૪માં ઇન્દિરા ગાંધી અને મુજીબ ઉર રહેમાન વચ્ચે સમજૂતી થઇ હતી. જે અંતર્ગત ભારતનાં પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના કેટલાક વિસ્તાર બાંગ્લાદેશને સોંપવાના હતા. બદલામાં બાંગ્લાદેશના કેટલાક વિસ્તારો ભારતમાં સમાવવાના હતા. જોકે આટલાં વર્ષો આ સમજૂતી અટકી પડી હતી. છેક ગયા મે મહિનામાં ભારતીય સંસદે સમજૂતીના ખરડાને મંજૂરી આપતાં ઐતિહાસિક કરાર શક્ય બન્યો છે.
ભારતનું અમૂલ્ય યોગદાન
સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા વડાં પ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશની આઝાદીમાં ભારતનાં અમૂલ્ય યોગદાનને ભૂલી શકાય નહીં. વડા પ્રધાન મોદીની બાંગ્લાદેશ યાત્રાએ નવી આશાઓ જન્માવી છે. ભારત બાંગ્લાદેશનો શ્રેષ્ઠ મિત્ર દેશ છે. આજે થયેલા કરારોથી બંને દેશો વચ્ચેના વ્યાપારિક અને રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બનશે.
જ્યારે મોદીએ જણાવ્યું હતું કે બંગ બંધુ શેખ મુજીબ ઉર રહેમાનની શહાદતથી સોનાર બાંગ્લાનું સ્વપ્ન સાકાર થયું છે. તિસ્તા નદીનાં જળ વહેંચણીનો વિવાદ પણ મંત્રણાઓ દ્વારા ઉકેલાશે એમ કહીને મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશને ધર્મ, ક્રિકેટ અને સંસ્કૃતિ જોડે છે.
દુનિયાભરમાં ચર્ચા થશે
વડા પ્રધાને મોદીએ બાંગ્લાદેશ પ્રવાસના બીજા અને અંતિમ દિવસે રવિવારે ઢાકાના બંગબંધુ કન્વેન્શન સેન્ટરમાં જોશભેર પ્રવચન કરતા જણાવ્યું હતું કે મારી બે દિવસની બાંગ્લાદેશની યાત્રાનું પોસ્ટમોર્ટમ માત્ર એશિયા નહીં, પણ સમગ્ર દુનિયા કરશે. ઘણા લોકો ત્રાજવાં લઇને બેસી જશે અને અમે શું મેળવ્યું અને શું ગુમાવ્યું એની ચર્ચા કરશે. જોકે મારે એક જ વાક્યમાં કહેવું હોય તો એટલું જ કહીશ કે લોકો વિચારતા હતા કે અમે પાસે-પાસે છીએ, પણ હવે દુનિયાએ એ સ્વીકારવું પડશે કે અમે પાસે-પાસે છીએ અને સાથે-સાથે પણ છીએ.’ આ સમારંભમાં બાંગ્લાદેશ સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને બાંગ્લાદેશ લિબરેશન વોર એવોર્ડથી સન્માન્યા હતા. વાજપેયી વતી નરેન્દ્ર મોદીએ આ સન્માન સ્વીકાર્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે વાજપેયી આમ આદમીના અધિકારો માટે લડનાર અને દેશની સેવામાં સમગ્ર જીવન સમર્પિત કરનાર કુશળ રાજનેતા છે. અટલ બિહારી વાજપેયીએ છ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ આપેલાં ભાષણમાંથી કેટલોક હિસ્સો પણ મોદીએ ટાંક્યો હતો. વાજપેયીએ તેમનાં ભાષણમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશને માન્યતા આપીને આપણે સાચી દિશામાં પગલું લીધું છે. ઇતિહાસ બદલાવાની પ્રક્રિયા આપણી આંખો સામે થઇ રહી છે. આજે બાંગ્લાદેશની આઝાદી માટે મુક્તિ લડવૈયાઓ અને ભારતીય સૈનિકો ખભેખભા મિલાવીને પોતાનું લોહી વહેવડાવી રહ્યા છે. આ લોહી એવા સંબંધોને જન્મ આપશે જે કોઇ દબાણથી તૂટશે નહીં અને કોઇ કૂટનીતિનું લક્ષ્યાંક બનશે નહીં. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ જણાવ્યું કે જો વાજપેયીએ જાતે આ સન્માન સ્વીકાર્યું હોત તો મને વધુ ખુશી થઇ હોત.
ટ્રાન્સ બોર્ડર બસ સેવા
શનિવારે ઢાકામાં યોજાયેલા એક સમારંભમાં બન્ને દેશના વડા પ્રધાનોએ લીલી ઝંડી ફરકાવીને કોલકતા (પશ્ચિમ બંગાળ) - ઢાકા (બાંગ્લાદેશ) - અગરતલા (ત્રિપુરા) તેમ જ ઢાકા (બાંગ્લાદેશ) - શિલોંગ (મેઘાલય) - ગુવાહાટી (આસામ) રૂટ પર ટ્રાન્સ બોર્ડર બસસેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બન્ને દેશોના વડા પ્રધાનોએ એકબીજાને બસની પ્રતિકાત્મક ટિકિટો આપી હતી. આ બસસેવાઓનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચેનો જનસંપર્ક વધારવાનો છે. કોલકતા-ઢાકા-અગરતલા રૂટ પર બે બસો દોડશે જેમાંથી એક પશ્ચિમ બંગાળ અને બીજી ત્રિપુરાની સરકાર ચલાવશે. જ્યારે ઢાકા-શિલોંગ-ગુવાહાટી બસ બાંગ્લાદેશ સરકાર સંચાલિત કરશે. હાલમાં ઢાકા-કોલકતા અને ઢાકા-અગરતલા વચ્ચે બસસેવા ચાલે છે.
મોદી, હસીના અને મમતાએ કોલકાતા-ઢાકા-અગરતલા રૂટની બસમાં થોડી મિનિટો ગાળી હતી. ત્રણેયે પશ્ચિમ બંગાળ સરકારના અધિકારીઓના ૨૮ સભ્યોના પ્રતિનિધિમંડળ, પ્રવાસીઓ અને પત્રકારો સાથે શુભેચ્છાની આપ-લે કરી હતી. ત્યાર બાદ ત્રણેય નેતાઓ ફ્રન્ટ સીટ પર બેઠા હતા.
અદાણી-રિલાયન્સ વીજમથકો બનાવશે
ભારતની બે ટોચની વીજ ઉત્પાદક કંપનીઓ અદાણી ગ્રૂપ અને રિલાયન્સ પાવરે શનિવારે બાંગ્લાદેશનાં વીજળી બોર્ડ સાથે ૪,૬૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરતાં વીજમથકોનું નિર્માણ કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ વીજમથકો સાકાર થયા બાદ બાંગ્લાદેશની વીજકટોકટી હળવી બની શકે છે. રિલાયન્સ પાવર ૩ બિલિયન ડોલરના ખર્ચે ૩,૦૦૦ મેગાવોટના ગેસઆધારિત ચાર પાવરપ્લાન્ટ સ્થાપશે. જ્યારે અદાણી ગ્રૂપ ૧.૫ બિલિયન ડોલરના ખર્ચે ૧,૬૦૦ મેગાવોટના બે થર્મલ પાવરપ્લાન્ટનું નિર્માણ કરશે.
બાદમાં મોદીએ બાંગ્લાદેશનાં રાષ્ટ્રીય મંદિરનો દરજ્જો ધરાવતા ૧૨મી સદીમાં નિર્માણ કરાયેલ ઢાકેશ્વરી મંદિર અને રામકૃષ્ણ મિશનની મુલાકાત લીધી હતી. મોદીએ બાંગ્લાદેશમાં છ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમ જ રાષ્ટ્રપતિ હમીદે યોજેલા ભોજન સમારંભમાં મિષ્ટી દહીં સહિતની વાનગીઓનો આનંદ માણ્યો હતો. મોદીએ પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા, વિપક્ષના નેતા બેગમ રોશન ઇરશાદ અને બાંગ્લાદેશના કોર્પોરેટ જગતના બિઝનેસમેનો સાથે પણ મુલાકાત કરી હતી. સાંજે વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં વસવાટ કરતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.
મોદીએ હસીનાને તેમના પિતા શેખ મુજીબુર રહેમાનના ભાષણની અલભ્ય ઓડિયો ક્લિપ, કામધેનુ, કલ્પવૃક્ષનું હાથવણાટનું એક બેનમૂન ટેપેસ્ટ્રી આર્ટવર્ક તેમ જ સરહદ કરાર અંગે ભારતીય સંસદ ગૃહમાં થયેલી ચર્ચાની ડીવીડીની ભેટ આપી હતી.
મોદી સાથે સુમેળભર્યા સંબંધો ન ધરાવતા મમતા ઐતિહાસિક સરહદ કરાર માટે શેખ હસીનાના કાર્યાલય ખાતે મોદીની લિમોઝીનમાં બેસીને પહોંચ્યા હતા. તે પૂર્વે મોદીએ સોનાર ગાંવ હોટેલ ખાતે મમતા સાથે વીસેક મિનિટ લાંબી બેઠક કરી હતી.
કરારથી ભારતને લાભ
• સુરક્ષામાં વધારો થશે • માનવતસ્કરી પર નિયંત્રણ આવશે • નશીલા પદાર્થોની દાણચોરી પર કાબૂ મેળવી શકાશે • બનાવટી ચલણી નોટોનું દૂષણ ડામી શકાશે • સરહદો નક્કી થતાં વિસ્તારોની માલિકી સ્પષ્ટ થશે • બન્ને દેશો વચ્ચેનો સંપર્ક વધશે • સરહદો પર માળખાકીય સુવિધાઓનું નિર્માણ થઇ શકશે • દ્વિપક્ષી વેપારને વેગ મળશે • પેટા-પ્રાદેશિક સંપર્કોમાં વધારો થશે.