ઉત્તર આફ્રિકાના આઈવરી કોસ્ટમાં ૮ વર્ષના બાળકને સૂટકેસમાં પેક કરીને સ્પેન લઈ જવાનો પ્રયાસ કરી રહેલી યુવતીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મોરોક્કોથી ૧૯ વર્ષની એક યુવતી સૂટકેસમાં બાળકને બંધ કરીને સ્પેનના નાના પ્રદેશ સ્યૂટા જવાની કોશિશ કરતી હતી. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું, ‘જ્યારે તેમણે સૂટકેસ સ્કેનરમાં મૂકી તો ઓપરેટરને અજીબ ચીજ જોવા મળી હતી. ઓપરેટરને લાગ્યું કે બેગની અંદર કોઈ માણસ છે. અમે સૂટકેસ ખોલી તો એક બાળક ખૂબ ગંભીર સ્થિતિમાં બહાર નીકળ્યો. બાળકે પોતે જ કહ્યું કે, તે ૮ વર્ષનો છે અને આઈવરી કોસ્ટનો છે.’
$ ૨૫ મિલિયનમાં લાદેનની માહિતી અમેરિકાને વેચીઃ અલ-કાયદાના સુપ્રીમો ઓસામા બિન લાદેનના એન્કાઉન્ટરની અમેરિકાની વાતને પડકારતાં પીઢ પત્રકાર સિમોર હર્ષે એક આર્ટિકલમાં દાવો કર્યો છે કે ઓસામા બિન લાદેનને આઈએસઆઈએ મિલિટરી શહેર અબોટાબાદમાં કેદી બનાવી રાખ્યો હતો. અમેરિકા દ્વારા લાદેન માટે જાહેર કરાયેલા ૨૫ મિલિયન ડોલરનું ઈનામ મેળવવા માટે પાકિસ્તાનના એક ગુપ્તચર અધિકારીએ અમેરિકાને લાદેનનાં ઠેકાણાંની માહિતી આપી હતી.
ભારતના નિકેશ અરોરા સોફ્ટ બેન્કના સીઓઓઃ ઉત્તર પ્રદેશના વતની નિકેશ અરોરાની સોમવારે જાપાનની સોફ્ટબેન્કના પ્રેસિડેન્ટ અને સીઓઓ પદે નિમણૂક થઇ છે. તેઓ કદાચ તેના આગામી સીઇઓ પણ બને તેવી સંભાવના છે. કંપનીના સીઇઓ માસાયોશી સોને કહ્યું હતું કે ગૂગલના પૂર્વ એક્ઝિક્યુટિવ ભવિષ્યમાં કંપનીના નેતૃત્વ માટે મજબૂત દાવેદાર છે. લગભગ ૪.૭ લાખ કરોડની સોફ્ટ બેન્ક જાપાનની અગ્રણી ટેલિકોમ કંપની છે.