મોસ્કો: પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન ભારતવિરુદ્ધ માહોલ ઉભો કરવા અને બરબાદ થઈ ગયેલી પોતાના દેશની ઈકોનોમીને ચેતનવંતી કરવાના ઇરાદે અગાઉ ચીનના પ્રવાસે ગયા હતા તો આ વખતે 23 ફેબ્રુઆરીએ રશિયા પહોંચ્યા હતા. યુદ્ધના ભયાનક માહોલ વચ્ચે પણ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ક્રેમલિનમાં ઇમરાન ખાનને મળ્યા હતા. બે દાયકા પછી પહેલી જ વાર પાકિસ્તાનના વડા પ્રધાન રશિયાની મુલાકાતે પહોંચ્યા હતા. મોસ્કો પહોંચતાં જ એક અધિકારીએ ઇમરાનને એવું બોલતાં સાંભળ્યા હતા કે, ‘કેટલા રોમાંચભર્યા સમયમાં હું રશિયાની મુલાકાતે પહોંચ્યો છું.’ યૂક્રેન સામે સૈન્ય અભિયાન શરૂ થયું તે પછી રશિયાના સર્વોચ્ચ નેતા સાથે ઇમરાનની પહેલી રૂબરૂ મુલાકાત હતી.
પાકિસ્તાન રશિયાનાં પગલાંનો વિરોધ કરેઃ અમેરિકા
ઇમરાનની રશિયા મુલાકાત સંદર્ભમાં અમેરિકાએ પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અમેરિકી પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે યૂક્રેન મુદ્દે રશિયા દ્વારા થઈ રહેલી કાર્યવાહી સામે વાંધો ઉઠાવવાની જવાબાદરી તમામ દેશોની છે. યૂક્રેન સામે રશિયાએ લીધેલા પગલાં વિરુદ્ધ પાકિસ્તાને પણ અવાજ ઉઠાવવો જોઈએ. પ્રાઇસે જણાવ્યું હતું કે યૂક્રેનની સ્થિતિ સંબંધે અમેરિકા પાકિસ્તાનનને અવગત કરી ચૂક્યું છે. અમેરિકા યૂક્રેન સાથેની સહભાગિતાને અમેરિકી હિતો માટે ખૂબ જ મહત્ત્વની માને છે.