જેરુસલેમઃ ચૂંટણી પરિણામોમાં બહુમતી નહીં મળવા છતાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફરી એક વાર તક મળી ગઈ છે. રાષ્ટ્રપતિએ તેમને ઇઝરાયલની આગામી સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. જોકે તેમની સામે મોટો પડકાર છે. ૨૬મી સપ્ટેમ્બરે જાહેર થયું કે, આગામી ૨૮ દિવસોમાં તેમણે સંસદમાં ૬૧ સભ્યોનું સમર્થન મેળવવું પડશે. હાલમાં આ જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે તેમની પાસે કોઈ સ્પષ્ટ માર્ગ નથી. ૧૭ સપ્ટેમ્બરે થયેલી ચૂંટણીમાં તેમના ગઠબંધનને ૫૫ બેઠકો જ મળી હતી. બીજી બાજુ ભ્રષ્ટાચારના ત્રણ મામલાનો પણ તેઓ સામનો કરી રહ્યા છે. નેતન્યાહૂને સરકાર બનાવવા માટે ૨૮ દિવસ ઉપરાંત વધુ બે સપ્તાહ મળી શકે છે. જો તમામ પ્રયાસો નિષ્ફળ જશે તો રિવિલિયન અન્ય કોઈને બોલાવી શકે છે.