મિન્સ્ક (બેલારૂસ)ઃ હરિયાળીથી હર્યાભર્યા બેલારૂસના બર્ડમેન તરીકે ઓળખ ધરાવતા ઉલાદ્ઝીમાર ઈવાનોસ્કીની જિંદગીનું લક્ષ્ય કહો તો લક્ષ્ય અને ઉદ્દેશ કહો તો ઉદ્દેશ એક છે - પંખીઓના માળા બચાવવાનું અને તેને સલામત રાખવાનું. વર્ષો સુધી વિહંગોનું અવલોકન કરનાર ઈવાનોસ્કી આ માટે પોતાના જાનની પણ પરવા કરતા નથી. તેઓ ઊંચા-ઊંચા વૃક્ષોની ટોચ પર ચડી જાય છે અને ત્યાં તે લાકડાની મદદથી એવી વ્યવસ્થા કરે છે કે જેથી કોઈ પંખી ત્યાં માળો બાંધે તો સલામત રહે.
ઘણી વખત તેઓ પંખીઓએ બાંધેલા માળાને સલામત રાખવા માટે પ્રયાસ કરે છે. સતત જંગલોમાં ભટકતાં રહેતા ઈવાનોસ્કીની જિંદગીનો દરેક દિવસ રોમાંચ અને જોખમથી ભરપૂર હોય છે. ઊંચા વૃક્ષોની ટોચ પર બાંધેલા માળા સુધી પહોંચવું જ મુશ્કેલ હોય. છે. તેમાં ય માળામાં જ્યારે માળામાં બચ્ચા હોય ત્યારે તેનું રક્ષણ કરતા માતા-પિતા કોઈ પણ અજાણ્યા પર વિચાર્યા વિના જ હૂમલો કરી દેતા હોય છે.
એક વખત તો માળામાં રહેલા ઘુવડે ઈવાનોસ્કી પર હુમલો કર્યો હતો. જેના કારણે તેમને ઈજા થઈ હતી અને લોહીલુહાણ થઇ ગયા હતા. તાત્કાલિક સારવાર ન મળતાં ઈન્ફેક્શન વધી ગયું હતું અને આખરે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
આમ છતાં ઈવાનોસ્કીનો તેના મિશન માટે કટિબદ્ધ છે. અત્યાર સુધી ઘણી વખત તે વૃક્ષો પરથી નીચે પટકાઈ ચૂક્યા છે પણ ઊંચાઈ પર માળા બાંધતા સમડી જેવા પંખીઓની સેવા કરવાનો વિચાર તેમને બેઠાં કરી દે છે.
વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર એવા ઈવાનોસ્કીએ કારકિર્દીમાંથી નિવૃત્તિ બાદ માળા બાંધવાની કામગીરી સ્વેચ્છાએ સ્વીકારી લીધી છે. તેઓ વૃક્ષની ટોચ પર વાયર દોરીની મદદથી લાકડાઓને એવી રીતે બાંધે છે કે જેનાથી પક્ષીઓને કુદરતી રીતે તેને માળો બાંધવામાં મદદ મળી રહે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં તેમણે આ પ્રકારે વૃક્ષોની ટોચ પર ૭૦૦થી વધુ માળા બાંધવા માટેની વ્યવસ્થા કરી છે.
સતત બેલારૂસના જંગલોમાં એકલા ભટકતાં રહેતા ઈવાનોસ્કી કબૂલે છે કે ઘણી વખત મને વરુ અને રીંછના હુમલાનો વિચાર આવે છે અને ત્યારે ડર પણ લાગે છે, પરંતુ પછી હું વિચારું છું કે તેઓ માણસ જેટલાં જોખમી તો નથી જ. અને હું ફરી એ જ જુસ્સા સાથે મારા કામે લાગી
જાઉં છે.