નવી દિલ્હીઃ ભારતની કોઇ પણ મીઠાઈનું નામ લેતાંની સાથે મોંમાં પાણી આવી જશે, અને દિમાગ તેના મઘમઘાટથી તરબતર થઇ જશે. આ જ કારણ છે કે ભારતની ત્રણ રસિલી મીઠાઇએ ‘ટેસ્ટ એટલાસ’એ તૈયાર કરેલી શ્રેષ્ઠ મીઠાઇની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
ભારતીય મીઠાઈની વાત કરીએ તો આજકાલથી નહીં, પણ સદીઓથી દુનિયામાં વખણાય છે. જેમાં ગુલાબજાંબુ, રસગુલ્લાથી લઈને ઘેવર, કાજુકત્લી સહિતની અનેક મીઠાઈ છે, જેના નામમાત્રથી લોકોના મોમાં પાણી આવી જાય છે. તાજેતરમાં ‘ટેસ્ટ એટલાસ’એ વિશ્વની સૌથી શ્રેષ્ઠ મીઠાઈનું લિસ્ટ જાહેર કર્યું છે, તેમાં ભારતની ત્રણ મીઠાઈનો સમાવેશ થયો છે. ‘ટેસ્ટ એટલાસ’ એક ફૂડ મેગેઝિન છે અને તે દુનિયાભરનાં સ્ટ્રીટ ફુડની સમીક્ષા માટે જાણીતું છે. ‘ટેસ્ટ એટલાસ’ તેના ઈન્સ્ટાગ્રામ પર વિવિધ દેશની મીઠાઈને તેના ટેસ્ટ અને વિવિધતાને આધારે તૈયાર કરેલું બેસ્ટ સ્વીટની વૈશ્વિક યાદી મૂકી છે.
‘ટેસ્ટ એટલાસ’એ તૈયારી કરેલી યાદીમાં પુર્તગાલની પેસ્ટલ ડી નાટા પહેલા નંબરે છે. તો પછીના ક્રમે ઈન્ડોનેશિયાની સેરાબી, તુર્કીની ડોંડુરમા, સાઉથ કોરિયાની હોટ્ટઓક અને થાઈલેન્ડની પા થોંગનું નામ આવે છે. આ ઉપરાંત યાદીમાં ભારતનો મૈસુર પાક 14મા ક્રમે, કુલ્ફી 18મા ક્રમે અને કુલ્ફી ફાલુદા 32મા સ્થાને જોવા મળે છે.
યાદીમાં ભારતીય મીઠાઇ જોઇને એક વર્ગે આનંદની લાગણી વ્યક્ત કરી છે તો બીજા વર્ગનું કહેવું છે કે આ સિવાય પણ ભારતની કેટલીય મીઠાઇઓ એવી છે જે આ યાદીમાં સ્થાન મેળવી શકી હોત.