બૈજિંગઃ ચીનના લારુન્ગ ગાર વેલી ટાઉનમાં બૌદ્ધ ધર્મની સૌથી મોટી વિદ્યાપીઠ આવેલી છે, જ્યાં લગભગ ૪૦ હજાર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ રહે છે. અન્ય શહેરો અને ગામોથી સાવ જ દૂર આવેલા આ ટાઉનમાં સાધુ-સાધ્વી તેમની ઉંમર અનુસાર અલગ અલગ રખાય છે.
૧૯૮૦ની સાલમાં શરૂ થયેલી તિબેટીયન બુદ્ધિઝમ માટેની એકેડમીમાં ચીન, તિબેટ, હોંગકોંગ, મલેશિયા, સિંગાપોર જેવા દેશોમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ અહીં આવે છે. મોટા ભાગે વિદ્યાપીઠની આસપાસ બૌદ્ધ વિદ્યાર્થીઓ રહેવા માટે લગભગ એક જ સ્ટાઈલના ગીચ ઘરો બનાવવામાં આવ્યાં છે એને કારણે નજીકના પર્વત ઉપરથી આ નગરીને જોતાં ખરેખર બૌદ્ધનગરી હોવાનો અહેસાસ થાય છે.
અલબત્ત, આ વિદ્યાપીઠમાં રહેવાના નિયમો ખૂબ જ કડક છે. અહીં ક્યાંય કોઈ પણ ઘરમાં ટીવી નથી. સાધુઓને સાધ્વીના ઘરમાં અને સાધ્વીઓને સાધુના ઘરમાં જવા પર પ્રતિબંધ છે. સંપૂર્ણપણે એકદમ પરંપરાગત લઢણ ધરાવતી આ નગરીમાં હવે જોકે આઈફોન પ્રવેશ કરી લીધો છે.