બોત્સવાનાઃ હીરો સદાયથી માણસના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. હીરાની ચમક સામે દુનિયાની તમામ ચમક ઝાંખી છે. સાઉથ આફ્રિકન દેશ બોત્સવાનાની એક ખાણમાંથી 2,492 કેરેટનો છેલ્લાં 100 વર્ષનો સૌથી મોટો હીરો મળી આવ્યો છે. એક કેનેડિયન માઈનિંગ કંપનીએ કરોવે ડાયમંડ માઈનમાંથી આ બહુમૂલ્ય હીરો શોધી કાઢ્યો છે. તાજેતરમાં જાહેરમાં પ્રદર્શિત કરાયેલો આ હીરો વિશ્વનો બીજો સૌથી મોટો હીરો છે. અગાઉ 1905માં સાઉથ આફ્રિકામાંથી જ 3,106 કેરેટનો કલિનન ડાયમંડ મળી આવ્યો હતો, જેમાંથી નાનાં નાનાં હીરા બનાવી તેને બ્રિટિશ રાજમુગટમાં જડવામાં આવ્યાં છે.
બોત્સવાનાના રાષ્ટ્રપતિ મોકગ્વેત્સી મેસિસીને જ્યારે હીરો બતાવવામાં આવ્યો અને તેમણે હાથમાં લીધો ત્યારે તેમના મોંમાંથી પણ નીકળી ગયું. ‘ઓહ.... આટલો મોટ્ટો હીરો...!’
બોત્સ્વાના સરકારે કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાના કોઈપણ દેશમાં મળેલો આ સૌથી મોટો હીરો છે. અગાઉ 2019 માં બોત્સ્વાનામાં જ 1758 કેરેટનો હીરો મળ્યો હતો. બોત્સ્વાના વિશ્વનો સૌથી મોટો હીરાની ખાણ ધરાવતો દેશ છે. વિશ્વના 20 ટકા હીરાનું ઉત્પાદન બોત્સ્વાનામાં જ થાય છે.