વોશિંગ્ટનઃ અમેરિકાનાં ૨૫ રાજ્યનાં ૭ કરોડ લોકો બરફનાં વિનાશક તોફાન અને વાવાઝોડું ઉલ્મેરનાં બોમ્બ સાયક્લોનનાં સપાટામાં ફસાયા છે. ૧૪મીએ બરફના તોફાન અને વાવાઝોડાને કારણે કલાકનાં ૧૧૦ માઈલની ઝડપે પવન ફુંકાતા ડેનવર એરપોર્ટ પરથી ૨,૦૦૦ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. વિન્ટર સ્ટોર્મ ઉલ્મેરથી કોલોરાડો, વ્યોમિંગ, મોન્ટાના, નેબ્રાસ્કા અને સાઉથ ડાકોટાની સ્થિતિ બેહાલ થઈ છે. વેસ્ટ અને અપર મિડવેસ્ટમાં અનેક હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. નોર્થ ડાકોટા અને નોર્થવેસ્ટ મિનેસોટા પર બરફના તોફાનનો ભય દર્શાવાયો છે.
હવામાન વિભાગે જણાવ્યા મુજબ ૭ રાજ્યોમાં ભારે બરફનાં તોફાનની અને ભારે પવનની જ્યારે ૨૦ રાજ્યોમાં ભારે પવન ફુંકાવાની આગાહી આપીને લોકોને સાવધ કરાયા હતા. ૧૫મીએ ઠેરઠેર બરફનાં ૪૫ ઈંચનાં થર જમા થઈ ગયા હતા અને ૨૫ રાજ્યોમાં ભારે વરસાદ અને પવન સાથે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
ડેનવરમાં એક કારચાલકને મદદ કરવાના પ્રયાસમાં એક પોલીસ ઓફિસર કોર્પોરલ ડેનિયલ ગ્રોવ્ઝનું કાર અથડાવાથી મોત થયું હતું.
બોમ્બ સાયક્લોન?
દરિયાની સપાટી પર જ્યારે ભારે હવાનાં દબાણનું વાવાઝોડું સર્જાય અને પૂરઝડપે ૨૪ કલાક કરતા ઓછા સમયમાં તે વધુ વિસ્તારોમાં ફેલાય ત્યારે તેને બોમ્બ સાયક્લોન કહે છે.