વિક્ટોરિયા સિટીઃ બોલ પેન કરતાં પણ નાના કદનો રોબોટ વિકસાવવાનો વિક્રમ હોંગ કોંગના નામે સર્જ્યો છે. બે નાના પગવાળા આ હ્યુમનોઈડ રોબોટે ગિનેસ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અને આ સિદ્ધિ રોબોટિક્સ એક્સપર્ટ્સે નહીં, પણ શાળાના બાળકોએ મેળવી છે.
સ્કૂલની રોબોટિક્સ ટીમના બાળકોએ બનાવેલો આ રોબોટ માત્ર 5.5 ઈંચ ઊંચો છે. આ રોબોટની ઊંચાઈ અગાઉના પાકિસ્તાનના રેકોર્ડ હોલ્ડર ઝૈન અહમદ કુરેશીના રોબોટ કરતાં અડધા ઈંચ ઓછી છે. જોકે આ રેકોર્ડ પોતાના નામે કરવા માટે તેની ઊંચાઈ જ નહીં પરંતુ, તેની કાર્યક્ષમતા પણ મહત્ત્વપૂર્ણ હતી.
હોંગ કોંગના બાળકોએ વિકસાવેલો આ નવો રોબોટ ડાન્સ કરવા, કુંગ ફૂના દાવપેચ કરવા અને ફૂટબોલ રમવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. હોંગકોંગની ડાયોસેસન બોયઝ સ્કૂલના 7 થી 12 ધોરણના વિદ્યાર્થીઓએ આ કમાલ કર્યો છે. આશા રાખીએ કે, આ રેકોર્ડ જલ્દીથી ભારતીય વિદ્યાર્થીઓ પોતાના નામે કરી લે.