સોંગીનોખૈરખાનઃ મોંગોલિયામાં પદ્માસનમાં બેઠેલા એક બૌદ્ધ સાધુનું ૨૦૦ વર્ષ જૂનું મમી મળી આવ્યું છે. મોંગોલિયાના શોધકર્તાઓને આ મમી ૨૭મી જાન્યુઆરીના રોજ મોંગોલિયાના સોંગીનોખેરખાન વિસ્તારમાંથી મળ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલ અનુસાર ફોરેન્સિક લેબના અધિકારીઓએ તેની વધુ તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક અભ્યાના આધારે તે ઓછામાં ઓછું ૨૦૦ વર્ષ પુરાણું હોવાનું જણાવ્યું છે. આ મમી પ્રાણીઓના ચામડાથી વીંટાળેલું અને પદ્માસનમાં બેસીને યોગ કરતું હોય તેવી સ્થિતિમાં પ્રાપ્ત થયું છે.
કેટલાક વૈજ્ઞાનિકોનું આ બાબતે માનવું છે કે મમીનાં શરીર પર ઊંટની ચામડી વીંટાળેલી છે, હાલમાં આ મમીને મોંગોલિયાની રાજધાની ઉલનબતારમાં વધુ તપાસ માટે લઈ જવામાં આવ્યું છે. કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે આ મમી તિબેટિયન બૌદ્ધ શિક્ષક લામા દાશી ડોર્ઝો ઇટિગિલોવનું છે. લામાનો જન્મ ૧૮૫૨માં થયો હતો અને તેઓ તિબેટિયન સંસ્કૃતિના પ્રચારક હતા. વૈજ્ઞાનિકો માટે ખરેખર આ એક ઊંડી તપાસનો વિષય છે કે કેવી રીતે આ સાધુને આટલા સુરક્ષિત રાખવામાં આવ્યા હશે. મોંગોલિયાનાં લોકોનું કહેવું છે કે અહીંનું ઠંડું વાતાવરણ પણ તેનું એક કારણ હોઈ શકે છે.