બ્રસેલ્સ: બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સના એરપોર્ટ પર ૨૨મી માર્ચે બે વિનાશક વિસ્ફોટ થયા હતા. જેને કારણે એરપોર્ટ પર ભાગદોડ મચી ગઈ હતી. બ્રસેલ્સ મીડિયાના રિપોર્ટ મુજબ આ વિસ્ફોટ થતાંની સાથે જ ૧૧ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૨૦ લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે તુરંત જ હોસ્પિટલ ખસેડાયા હતા. બ્રસેલ્સના મીડિયાના રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ પહેલાં ગોળીબાર કરાયો હતો અને એરપોર્ટ પરથી ત્રણ આત્મઘાતી બેલ્ટ પણ મળી આવ્યા હતા.
બ્રસેલ્સમાં ૨૨મી માર્ચે જ મેટ્રો સ્ટેશન અને ઈયુ નજીક પણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેના પગલે ઈયુ ઈન્સ્ટિટ્યૂટ અને મેટ્રો સ્ટેશન્સને બંધ કરી દેવાયા હતા. વિસ્ફોટ બાદ એરપોર્ટને તાત્કાલિક ખાલી કરવાની સૂચના સુરક્ષાદળોએ વહેતી કરી હતી અને સુરક્ષાને ધ્યાને લેતાં એરપોર્ટમાં દાખલ થવા નાગરિકો માટે નિષેધ જાહેર કરાયો હતો. બ્રસેલ્સ એરપોર્ટ પર વિસ્ફોટ બાદ મોટાભાગની ફ્લાઇટ્સ મોડી કરાઈ હતી અથવા રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત બ્રસેલ્સની રેલવે સેવાને પણ રોકી દેવાઈ હતી.
બ્રસેલ્સમાં બોમ્બ વિસ્ફોટ પછી ભારતમાં દરેક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવાયા હતા. ખાસ કરીને ભારતના મુંબઈ, બેંગલુરુ, કોલકતા, ગોવા, ચેન્નઈ અને દિલ્હી એરપોર્ટ પર હાઈએલર્ટ મુકાયા હતા. તે સાથે ભારતમાં દરેક મેટ્રો સ્ટેશનો પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.