બ્રસેલ્સઃ ગત મહિને બેલ્જિયમમાં થયેલા આતંકવાદી હુમલામાં ઇજા પામેલી ૪૨ વર્ષીય ભારતીય એર હોસ્ટેસ નિધિ ચાપેકર એક મહિના પછી કોમામાંથી બહાર આવી છે. જેટ એરવેઝની હોસ્ટેસ નિધિ ૨૨મી માર્ચે એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટમાં ઘાયલ થઈ હતી અને હુમલાને કારણે હેબતાઇ ગયેલી નિધિની તસવીર વિસ્ફોટ બાદ વાયરલ થઇ હતી. ઘટના પછી નિધિની બ્રસેલ્સની ગ્રાન્ડ હોસ્પિટલ દે ચાર્લરોઈમાં સારવાર ચાલી રહી હતી. ઇબ્રાહિમ અલ-બકરૌઇ અને નાઝિમ નામના આતંકવાદીઓએ એરપોર્ટ પર કરેલા સ્યુસાઇડ બ્લાસ્ટમાં ૧૫ લોકો માર્યા ગયા હતા.
૨૫ દિવસ કોમામાં રહી
બોમ્બ વિસ્ફોટમાં નિધિનું શરીર ૧૫ ટકા દાઝી ગયું હતું અને પગમાં ફેક્ચર થઇ ગયું હતું. બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલી નિધિ કોમામાં સરી પડી હતી. છેલ્લા ૨૫ દિવસથી બ્રેસેલ્સની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. બ્રિટિશ વેબ પોર્ટલ ડેઇલી મેઇલના જણાવ્યા અનુસાર નિધિ જ્યારે કોમામાંથી બહાર આવી ત્યારે તેનો પતિ રૂપેશ હાજર હતો. નિધિ કોમામાંથી બહાર આવી એ પછી રૂપેશે જણાવ્યું હતું કે, નિધિએ કોમામાંથી બહાર આવતાંની સાથે જ આંખો ખોલીને મારી સામે જોયું અને સ્માઇલ આપી હતી. મેં તેને વિશ્વાસ આપ્યો કે બધું જ સારું થઇ જશે. તેણે અમારા બાળકો સાથે પણ ફોન પર વાત કરી.
નિધિના મતે તે ઊંઘમાં હતી
રૂપેશે વધુમાં જણાવ્યું કે, નિધિ ઉપર મોટાભાગની માઇનોર સર્જરી થઈ ગઈ છે. જોકે, હજુ કેટલા દિવસ સુધી તેની સારવાર ચાલશે એ અંગે કોઈ રિપોર્ટ આવ્યો નથી. નિધિને એવું લાગે છે કે ઊંઘી રહી હતી અને એ ઊંઘમાં તેના કેટલા દિવસો જતાં રહ્યાં એનો એને ખ્યાલ નથી. બ્લાસ્ટને લઇને અમે તેની સાથે કોઇ વાત નથી કરતા.