ટોક્યો: વિશ્વમાં ફરી એકવાર કોરોના વાઇરસે માથું ઊંચક્યું છે. ચીન સાથે વિશ્વના અનેક દેશોમાં પરિસ્થિતિ કાબૂથી બહાર જઈ રહી છે. ચીનમાં લોકડાઉનના કડક નિયમો પછી પણ કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચીનમાં સરકારની ઝીરો કોરોના નીતિ લાગુ હોવા છતાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચીનનાં અનેક રાજ્યોમાં સામૂહિક ટેસ્ટિંગની સાથે યાત્રા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હોવા છતાં કેસ વધી રહ્યા હોવાથી વિશ્વના વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે. જાપાનમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જાપાન ટુડેની એક ખબર અનુસાર જાપાનમાં રવિવારે કોરોનાના નવા 98,000 કેસ સામે આવ્યા હતા. તે પહેલાં શનિવારે 1,25,000 કેસ સામે આવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.