બ્રુમાડિન્હો: બ્રાઝિલના બ્રુમાડિન્હો શહેર નજીક ફૈજો કાચા લોખંડની ખાણ નજીક આવેલો બંધ ૨૫મી જાન્યુઆરીએ બપોરે સ્થાનિક સમય પ્રમાણે ૧ કલાકે ધરાશાયી થતાં પાણી અને કાદવના પૂરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫૦થી વધુનાં મોત નોંધાયા છે અને ૩૦૦થી વધુ લોકો લાપતા બન્યા છે. શંકા છે કે કાદવમાં સેંકડો લોકો જીવતાં દટાઇ ગયાં છે. આ બંધ તૂટી પડવાના કારણે નદી ના નીચાણમાં આવેલો આવેલો બંધ પણ છલકાઇ ગયો હતો. પરિણામે ખાણની નજીકમાં આવેલી કામદારોની વસાહતો અને ખેતરોમાં પૂર અને કાદવ ફરી વળ્યાં હતાં. સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે કે દુર્ઘટનાની ચેતવણી આપતી સાયરન નિષ્ફળ જવાના કારણે સેંકડો લોકો અચાનક આવેલી આફતનો ભોગ બન્યાં હતાં. વાલે કંપનીના પ્રમુખ ફેબિઓ શાવર્ત્સમેને જણાવ્યુ હતું કે, હોનારત એટલી ઝડપથી સર્જાઇ હશે કે સાયરન વગાડવાનો સમય જ નહીં મળ્યો હોય. ૧૯૭૬માં નિર્માણ થયેલો આ બંધ આ વિસ્તારમાં આવેલા ઘણા બંધ પૈકીનો એક છે. આ બંધમાં ખાણમાંથી નીકળતો કચરો સંગ્રહ કરાતો હતો. આ બંધની સંગ્રહ ક્ષમતા ૧૨મેટ્રિક ક્યૂબિક મીટર હતી અને છેલ્લા ૩ વર્ષથી નિષ્ક્રિય હતો.