બ્રાસિલિયાઃ અમેરિકા બાદ વિશ્વના સૌથી વધુ કોરોના સંક્રમિત શહેર બ્રાઝિલમાં સ્થિતિ બેકાબૂ થઇ રહી છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના ૧.૨૪ કરોડ કેસ નોંધાઇ ચૂક્યા છે અને ૩.૧૦ લાખથી વધુ મોત થઇ ચૂક્યા છે. દેશમાં હવે વિશ્વમાં સૌથી વધુ નવા કેસ મળી રહ્યાં છે. તેથી ઘણી હોસ્પિટલોમાં નવું સંકટ ઊભું થયું છે.
રાજધાની બ્રાસિલિયા સહિત ૨૬માંથી ૧૬ રાજ્યોમાં આઇસીયુ બેડ ખૂટી પડ્યાં છે. ૯૦ ટકા જેટલા બેડ ફૂલ છે. જુદા જુદા રાજ્યોમાં આઇસીયુ માટેનું વેઇટિંગ બે અઠવાડિયામાં બમણું થઇ ગયું છે. રેસ્ટિંગા હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમ કોવિડ વોર્ડ બની ચૂક્યો છે. ઘણાં દર્દીઓ બેડના અભાવે ખુરશી પર બેસીને સારવાર લઇ રહ્યા છે.
હોસ્પિટલના ડાયરેક્ટર પાઉલો ફર્નાન્ડોએ કહ્યું કે, લોકો ખૂબ ગંભીર લક્ષણો અને ઓછા ઓક્સિજન લેવલ સાથે આવી રહ્યા છે. દક્ષિણ બ્રાઝિલના સૌથી સમુદ્વ શહેર પોર્ટો એલેગ્રીની હોસ્પિટલમાં અગાઉ કરતા વધુ યુવા અને વધુ બીમાર કોરોના દર્દીઓ આવી રહ્યા છે. કબ્રસ્તાનામાં મૃતદેહોની લાઇનો લાગે છે. અહીં દર કલાકે ૧૨૫ મોત થઇ રહ્યા છે.
અડધી વસતીને રસી આપી ચૂકેલા ચિલીમાં લોકડાઉન
દેશની લગભગ અડધી વસતીને કોરનાની વેક્સિનનો એક ડોઝ આપી ચૂકેલા લેટિન અમેરિકન દેશ ચિલીમાં શનિવારથી લોકડાઉન કરાયું છે. ચિલી સૌથી વધુ વેક્સિનનેશનમાં ઇઝરાયલ, સેશલ્સ અને યુએઇ બાદ વિશ્વમાં ચોથો દેશ છે. ચિલીમાં દર ૧૦૦ લોકોમાંથી ૫૧ને વેક્સિન અપાઇ છે. જોકે, નવા કેસ વધતાં ચિલી સરકારને ફરી લોકડાઉન કરવાની ફરજ પડી. ચિલીમાં શુક્રવારે નવા ૭,૬૨૬ કેસ નોંધાયા, જે કોરોનાકાળના મહત્તમ કેસ છે.
પાકિસ્તાનને રાવપિંડી સિયાલકોટના ૧૧ ક્ષેત્રમાં કરેલું લોકડાઉન રવિવારે લાહોર, ફૈસલાબાદ, ગુજરાત અને મુલતાન સુધી લંબાવ્યું.
યુએસમાં કોરોનાનો ઘાતક વેરીઅન્ટ
યુકેમાં પ્રથમવાર દેખા દેનારો બી.૧.૧.૭ નામનો કોરોના વાઈરસનો વેરીઅન્ટ જે વધારે ઝડપથી ફેલાય છે અને વધારે ઘાતક પણ છે તે હવે યુએસએમાં ૫૦ રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. પ્રમુખ જો બાઇડેનના કોરોના સલાહકાર ડો. એન્થોની ફોસીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં કોલોરાડોમાં પહેલીવાર દેખા દેનારો આ વેરીઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાલ ૨૦થી ૩૦ ટકા દર્દીઓ આ વેરીઅન્ટનો ચેપ ધરાવે છે અને તેમની સંખ્યા વધી રહી છે. ફોસીએ એક અભ્યાસનો હવાલો આપી જણાવ્યું હતું કે આ કોરોના વેરીઅન્ટનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીના મોતનું જોખમ ૬૪ ટકા વધી જાય છે.
જર્મનીમાં આકરા લોકડાઉનની તૈયારી
જર્મનીમાં કોરોનાને કારણે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. સ્થિતિ દિવસેને દિવસે બેકાબૂ બની રહી છે. સરકાર દ્વારા ફરી ૧૪ દિવસનું કડક લોકડાઉન લાદવા તૈયારી કરવામાં આવી છે. જર્મનીનાં આરોગ્ય પ્રધાન જેન્સ સ્પેને કહ્યું હતું કે સ્થિતિને કાબૂમાં લેવા ૧૦થી ૧૪ દિવસનું લોકડાઉન જરૂરી છે. જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલનાં ચીફ ઓફ સ્ટાફ બ્રોન દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ છે. તેમનાં મતે હાલ ખતરનાક સ્થિતિ સર્જાઈ છે. નવા મ્યૂટેશનને કારણે નવા પડકારો સર્જાયા છે. હાલની વેક્સિન અસર નહીં કરે તો નવી વેક્સિન તૈયાર કરવી પડશે. જર્મનીમાં ૨૪ કલાકમાં ૧૮,૬૯૨ કેસ નોંધાયા હતા અને ૧૦૧નાં મોત થયા હતા. અહીં કુલ દર્દીઓની સંખ્યા લગભગ ૨૮ લાખ છે જ્યારે ૭૬,૪૦૪નાં મોત થયા છે.