લંડન, ન્યુયોર્કઃ પોતાની પ્રથમ યુનાઈટેડ નેશન્સની સમિટમાં બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે બ્રિટન કદી શરણાર્થીના વેશમાં માઈગ્રન્ટ્સનો સ્વીકાર નહિ કરે અને આવા હજારો આર્થિક માઈગ્રન્ટ્સને નકારશે. બ્રિટનને પોતાની સરહદો પર અંકુશ રાખવાનો અધિકાર છે. તેમણે રેફ્યુજીસ અને આર્થિક માઈગ્રન્ટ્સ વચ્ચે ભેદ સ્થાપિત કરવાની માગણી કરી હતી.
વડા પ્રધાન થેરેસા મેએ કહ્યું હતું કે યુરોપમાં અભૂતપૂર્વ અને અનિયંત્રત ઈમિગ્રેશન મોજું યુકેના, ખુદ માઈગ્રન્ટ્ન્સ કે જે દેશ તેઓ છોડીને આવે છે તેમના હિતમાં નથી. બ્રિટને તેની સરહદો ખોલી નાખવી જોઈએ તેવી યુએનના કેટલાક સભ્યો અને ચેરિટીઝની માગણી તેમણે ફગાવી હતી. આ કટોકટી હદ બહાર જવા દેવા માટે વૈશ્વિક નેતાઓની નિષ્ક્રિયતાની પણ તેમણે ટીકા કરી હતી. જો સાચા શરણાર્થીઓને પ્રજાનો ટેકો જાળવી રાખવો હોય તો આર્થિક માઈગ્રન્ટ્સ દ્વારા સિસ્ટમમા દુરુપયોગનો અંત લાવવો જોઈએ.
યુએન મહાસભામાં માઈગ્રેશન અને રેફ્યુજીસ માટે નવી વૈશ્વિક નીતિ ઘડવા માટે બે વર્ષની વાટાઘાટોનો આરંભ કરાશે. યુએન દ્વારા બ્રિટન સહિતના ધનવાન દેશો ગરીબ દેશોના આર્થિક માઈગ્રન્ટ્સ માટે નવા માર્ગો ખુલ્લાં કરે તેવું દબાણ કરાઈ રહ્યું છે. જોકે, વડા પ્રધાન મેએ કહ્યું હતું કે માઈગ્રન્ટ્સના અધિકાર નહિ પરંતુ દરેક દેશોને પોતાની સરહદો પર અંકુશના અધિકાર વિશે ભાર મૂકાવો જ જોઈએ. યુએન દ્વારા ઈમિગ્રેશન પોલિસીના ત્રણ મુખ્ય સિદ્ધાંતોમાં એક તરીકે આનો સ્વીકાર થવો જોઈએ.