સિંગાપોરઃ જાણીતા શિક્ષણવિદ અને વરિષ્ઠ રાજદ્વારી કિશોર મહબૂબાનીએ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં તાત્કાલિક સુધારાની માગણી કરી છે. સાથે જ તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ભારતને સ્થાયી સભ્યપદ મળવું જોઈએ. તેમણે કહ્યું કે ભારત UNSCમાં સ્થાયી સભ્ય બનવાને હકદાર છે અને તેને તેનો અધિકાર મળવો જોઈએ. કિશોર મહબૂબાનીએ આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિંગાપોર પ્રવાસના પ્રારંભ પૂર્વે કર્યું છે. ભારત પણ છેલ્લાં ઘણાં વરસોથી અલગ અલગ મંચ પરથી યુએનએસસીમાં સ્થાયી બેઠકની માગણી કરતું આવ્યું છે.
ભારતીય મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં મહબૂબાનીએ કહ્યું કે જો અત્યારે કાઉન્સિલનો વિસ્તાર નથી થતો તો યુકેના બદલે ભારત યુએનએસસીનું સ્થાયી સભ્ય બને. ભારત આજના સમયે અમેરિકા અને ચીન પછી દુનિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ છે. જ્યારે ગ્રેટ બ્રિટન હવે ગ્રેટ નથી રહ્યું. તેને જોતાં યુકેએ યુએનએસસીમાંની પોતાની સ્થાયી બેઠક ભારતને આપી દેવી જોઈએ.
મહબૂબાનીએ કહ્યું કે બ્રિટને છેલ્લા ઘણા દાયકાથી યુએનએસસીમાં પોતાના વીટોનો પ્રયોગ નથી કર્યો. બ્રિટન વીટોનો ઉપયોગ કરવાથી મળનારી પ્રતિક્રિયાથી ડરે છે. તેને જોતાં બ્રિટન માટે તાર્કિક પગલું એ જ છે કે તે પોતાની બેઠક ભારતને સોંપી દે. જો બ્રિટન પોતાની બેઠક છોડે તો તેને વૈશ્વિક મંચ પર વધારે સ્વતંત્ર રીતે કામ કરવાની આઝાદી મળશે.