લંડનઃ બ્રિટનમાં ઓછામાં ઓછી ૧૭ શાળા ચાઈનીઝ કંપનીઓના કબજા હેઠળ છે. ખાનગી શાળાઓ ચીનની કંપનીઓ દ્વારા ખરીદાય છે એટલું જ નહિ, કેટલીક શાળામાં કોમ્યુનિસ્ટ્સ દ્વારા મંજૂર કરાયેલા લેસન્સ શીખવાડાય છે જેના કારણે વાણી સ્વાતંત્ર્ય પર જોખમ ઉભું થઈ શકે છે.
ચાઈનીઝ કંપનીઓએ યુકેમાં વિસ્તારવાદ આરંભ્યો છે અને ચીની રોકાણકારોની નજર મહામારીના કારણે ભંડોળ કટોકટી અનુભવતી સેંકડો સ્વતંત્ર શાળાઓ પર છે. સ્ટેફોર્ડશાયરના લિચફિલ્ડ નજીક એબોટ્સ બ્રોમલી સ્કૂલ સહિત ૧૭ શાળાઓ પર ચીની કંપનીઓએ કબજો જમાવ્યો છે અને ટુંક સમયમાં તેની સંખ્યા વધી જવાના અણસાર છે. બ્રિટિશ શાળાઓ ખરીદનારી કેટલીક ચીની કંપનીઓનું સંચાલન ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના વગદાર સભ્યો હસ્તક છે જેઓ, બ્રિટનની એજ્યુકેશન સિસ્ટમ પર વગ વધારવા માગે છે.
મેઈલ ઓન સન્ડેના અહેવાલ અનુસાર બીજિંગ બ્રિટિશ ક્લાસરુમ્સમાં પગપેસારો કરી રહ્યું છે. ચીનના અંકુશ હેઠળની ૧૭ શાળામાંથી નવ શાળાની માલિકી કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ સભ્યોની ફર્મ્સ છે. પ્રિન્સેસ ડાયનાએ અભ્યાસ કર્યો હતો તે નોર્ફોકની રિડલ્સવર્થ હોલ પ્રેપરેટરી સ્કૂલ ચાઈનીઝ ગ્રૂપ હસ્તક છે અને તેઓ પ્રિન્સેસના નામનો ખુલ્લો વેપાર કરી રહ્યા છે. ચીન વિશે સારી બાબતો વિદ્યાર્થીઓના દિલોદિમાગમાં ઘૂસાડવા આ શાળાઓ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરે છે. એક ફર્મે કબૂલાત કરી છૈ કે બ્રિટિશ શાળાઓ હસ્તગત કરવા પાછળનું એક કારણ બીજિંગના વૈશ્વિક પ્રભુત્વને વધારવાનો હેતુ ધરાવતી ચીનની વિવાદિત બેલ્ટ એન્ડ રોડ રણનીતિ માટે સપોર્ટ ઉભો કરવાનું છે.
કોરોના મહામારીના કારણે સેંકડો સ્વતંત્ર શાળાઓ ભંડોળની કટોકટી અનુભવે છે. શાળામાં પ્રવેશ ઘટી ગયો છે અને ઘરમાં રહી અભ્યાસ કરાવાતો હોઈ ફીમાં પણ કાપ મૂકાયો છે. બોર્ડિંગ સ્કૂલ્સમાં ફીમાં ૩૫ ટકાનો ઘટાડો અને સવારના ભાગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦ ટકા ઘટી છે. શાળાઓ કારણકે ઓનલાઈન તેમજ ચાવીરુપ વર્કર્સના બાળકોના અભ્યાસ માટે શાળાઓ ખુલ્લી રખાતી હોવાથી તેઓ સરકારની ફર્લો અથવા બિઝનેસ લોન્સનો પૂરો લાભ લઈ શકતી નથી.
એજ્યુકેશન માર્કેટમાં મુખ્ય રોકાણકાર બ્રાઈટ સ્કોલર છે જેણે ૨૦૧૮ અને ૨૦૧૯માં બોર્નમાઉથ કોલેજીએટ સ્કૂલ, કારમાર્થનશાયરના લાનેલીમાં સેન્ટ માઈકલ્સ સ્કૂલ અને નોર્ધમ્પટનમાં બોસવર્થ ઈન્ડિપેન્ડન્ટ કોલેજ સહિત અનેક શાળા અને કોલેજ ખરીદી છે. બ્રાઈટ સ્કોલરની પેરન્ટ કંપની કન્ટ્રી ગાર્ડન ગ્રૂપની માલિક ૨૦ બિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવતી એશિયાની સૌથી ધનવાન ૩૯ વર્ષીય મહિલા યાંગ હુઈયાન છે. બ્રાઈટ સ્કોલરની સ્થાપના કોમ્યુનિસ્ટ પાર્ટીની હાઈ રેન્કિંગ એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય યાંગ ગુઓકિઆંગે કરી હતી.
બે સ્વતંત્ર શાળાઓ શ્રોપશાયરમાં બેડસ્ટોન કોલેજ અને ઈપ્સવિચ હાઈ સ્કૂલ ચાઈનીઝ વાન્ડા ગ્રૂપના ફંડ કંપનીની માલિકી હેઠળ છે. ટેકનોલોજી, રિયલ એસ્ટેટ, હોટેલ્સ અને મીડિયામાં રોકાણ કરતા વાન્ડા ગ્રૂપે ૨૦૧૭માં આ શાળાઓ ખરીદી હતી. આ ઉપરાંત, વધુ બે શાળાઓ-ડેવોનના બાઈડફોર્ડમાં કિંગ્સ્લે સ્કૂલ અને વર્સોસ્ટરશાયરમાં હીથફિલ્ડ નોલ સ્કૂલને ચાઈના ફર્સ્ટ કેપિટલ ગ્રૂપે ખરીદી છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ સભ્યો આ કંપનીના બોર્ડ મેમ્બર્સ છે. આ સિવાય, નોર્ફોકમાં થેટફોર્ડ ગ્રામર સ્કૂલ, કેમ્બ્રિજશાયરમાં વિસ્બેક ગ્રામર અને શ્રોપશાયરમાં શ્રુસબરી નજીક એડકોટ સ્કૂલ ફોર ગર્લ્સનો પણ સમાવેશ થાય છે.