લંડનઃ બ્રિટિશ નાગરિકોના ૪૨ ટકાથી વધુ માટે સામૂહિક ઈમિગ્રેશન સૌથી મોટી ચિંતા છે. Ipsos MORI દ્વારા ૨૫ દેશના કરાયેલા સર્વેમાં બ્રિટન આ મુદ્દે સૌથી વધુ ચિંતિત છે. વડા પ્રધાન થેરેસા મે વધુ સખત ઈમિગ્રેશન કન્ટ્રોલનો કેસ આગળ વધારવા આ સર્વેનો ઉપયોગ કરી શકે છે. જોકે, વિશ્વની સૌથી મોટી પાંચ ચિંતાની યાદીમાં આ મુદ્દો નથી. બેરોજગારીની ચિંતા સમગ્ર વિશ્વમાં મુખ્ય છે પરંતુ, બ્રિટનની મુખ્ય પાંચ ચિંતામાં તેનો સમાવેશ થતો નથી. દેશ જે દિશામાં જઈ રહ્યો છે તેના વિશે ૪૪ ટકા બ્રિટિશરોએ હકારાત્મક પ્રતિભાવ આપ્યા છે.
સર્વેના આ તારણો થેરેસા મેને તેમના બ્રેક્ઝિટ વાટાઘાટોમાં મદદરુપ બની શકે છે. સરકાર ઈયુ ઈમિગ્રેશન પર નવા કડક નિયંત્રણો લાદે નહિ તે માટે મોટા બિઝનેસીસનું ભારે દબાણ છે. બ્રિટને સિંગલ માર્કેટની સુવિધાના બદલામાં માઈગ્રન્ટ્સની મુક્ત અવરજવરની છૂટ ચાલુ રાખવું જોઈએ તેવી દલીલો કરતા બિઝનેસ અગ્રણીઓ અને સાંસદો દેશની જનતાથી અલગ હોવાનું આ સર્વેના તારણોથી જાણવા મળે છે.
ઊંચા ઈમિગ્રેશનના લીધે ૪૨ ટકા બ્રિટિશરો ચિંતિત છે તેની સામે જર્મની (૪૧ ટકા), સ્વીડન (૩૩ ટકા), ઈટાલી (૩૨ ટકા), બેલ્જિયમ (૨૭ ટકા), ફ્રાન્સ (૨૬ ટકા), યુએસ (૨૨ ટકા), ઓસ્ટ્રેલિયા અને તુર્કી (૨૦ ટકા) અને કેનેડા (૧૯ ટકા)ને માઈગ્રેશનની સમસ્યા નડી રહી છે. બીજી તરફ, રશિયા (૬ ટકા), જાપાન (૫ ટકા), ચીન અને ભારત (૩ ટકા)ને ઈમિગ્રેશનની ચિંતા સતાવે છે.
આ ૨૫ દેશમાં બ્રિટનને ઉગ્રવાદની પણ ચિંતા છે, જેમાં ૨૮ ટકાએ તેના વિશે ચિંતા દર્શાવી છે. આ ઉપરાંત, યુકેની પાંચ મુખ્ય ચિંતામાં હેલ્થકેર (૩૪ ટકા), ત્રાસવાદ (૩૧ ટકા), ગરીબી અને સામાજિક અસમાનતા (૨૯ ટકા)નો સમાવેશ થાય છે.
આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, હંગરી, ભારત, ઈઝરાયેલ, ઈટાલી, જાપાન, મેક્સિકો, પોલાન્ડ, પેરુ, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિક્રા, સાઉથ કોરીઆ, સ્પેન, સ્વીડન, તુર્કી અને યુનાઈટેડ સ્ટેટ્સના ૬૫થી ઓછી વયના લોકોનો ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો.