ફોનિક્સ, લંડનઃ એરિઝોના પર્વત પર પરિવાર સાથે પ્રવાસમાં ગયેલી ૪૮ વર્ષીય બ્રિટિશ ભારતીય માતા રવિન્દર તાખારનું ભારે ગરમીમાં શેકાઈ જવાથી મોત નીપજ્યું હતું. પતિ જશપાલ અને પુત્ર એરોન સાથે એરિઝોનાના કેમલબેક માઉન્ટેનના શિખરે પહોંચ્યા પછી રવિન્દર ૧૦૪ ડીગ્રી ફેરનહિટ ગરમી સહન કરી શક્યાં ન હતાં. તેઓ આરામ કરવા રોકાયાં હતાં અને પાર્ક રેન્જરોને પાંચ કલાક પછી ઝાડીઓમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
અમેરિકાના એરિઝોનાના પ્રવાસે ગયેલા મોન્ક્સપાથ, સોલિહલના તાખાર પરિવારે ફોનિક્સ નજીક ૨,૭૦૦ ફૂટ ઊંચાઈના શિખર પર ચડવાનો નિર્ણય કર્યો હતો. કસ્ટમર લાયઝન ઓફિસર રવિન્દરનું આરોગ્ય સારું હતુ, પરંતુ તેમને ૪૦ ડીગ્રી સેન્ટિગ્રેડ તીવ્ર ગરમીની અસર થઈ હતી, તેમ ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું. શિખર પરથી ઉતરતાં તેમણે પતિ અને પુત્રને આગળ જવા અને થોડો આરામ કર્યા પછી તેઓ નીચે મળશે તેમ જણાવ્યું હતું. જોકે, તેઓ નિર્ધારિત સ્થળે ન પહોંચતાં એકો કેન્યન સ્ટેટ પાર્કના રેન્જર્સનો સંપર્ક કરાયો હતો. પાંચ કલાકના શોધ અભિયાન પછી રવિન્દરનો મૃતદેહ ઝાડીઓમાં મળી આવ્યો હતો.