નવી દિલ્હીઃ બ્રિટનથી નીલગિરિમાં હનીમૂન માટે આવેલા ગ્રાહમ વિલિયમ લિન અને સિલ્વિયા પ્લાસિકે મેટ્ટુપલયમથી ઉધમમંડલમ સુધી વચ્ચેની એક ટ્રીપ માટે ૨.૮૫ લાખ રૂપિયા ખર્ચી આખી ટ્રેન બુક કરાવી છે. સધર્ન રેલવેના સાલેમ ડિવિઝને નીલગિરિ માઉન્ટેન રેલવે માટે ગયા સપ્તાહે જ ચાર્ટર્ડ સેવા શરૂ કરી હતી. આખી ટ્રેન બુક કરાવવાને કારણે ગ્રાહમ અને સિલ્વિયા તેના પ્રથમ યાત્રી બન્યા. મૂળ પોલેન્ડના રહેવાસી ગ્રાહમે આખી ટ્રેન બુક કરાવવા અંગે કહ્યું કે ‘મારી અને સિલ્વિયાની મુલાકાત ઇંગ્લેન્ડમાં વરાળથી ચાલતી એક ટ્રેનમાં થઈ હતી. લગ્ન પછી અમે પ્રથમ મુલાકાતનો ફરીથી અનુભવ કરવા માગતા હતા. અમને જાણવા મળ્યું કે ભારતમાં વરાળથી ચાલતી ટ્રેન દોડે છે. પછી અમે હનીમૂન માટે અહીં આવવાનો નિર્ણય લઈ લીધો. આ પળોને યાદગાર બનાવવા માટે આખી ટ્રેન બુક કરાવી લીધી. શુક્રવારની સવારે ચેન્નાઈથી મેટ્ટુપલયમ સ્ટેશને પહોંચ્યા. જ્યાં રેલવેના સ્ટાફે અમારું સાવ્ગત કર્યું.’
આ ટ્રેન મેટ્ટુપલયમ સ્ટેશનેથી સવારે ૯.૩૦ કલાકે ચાલી અને બપોરે ૨.૨૦ કલાકે ઊટી પહોંચી ગઈ. મેટ્ટુલપયમથી કુન્નુર સુધી આ ટ્રેનને કોલસાથી ચાલતા એન્જિને ખેંચી અને કુન્નુરથી ઊટી સુધી ડિઝલ એન્જિન લગાવાયું હતું. કુન્નુર અને ઊટી સ્ટેશને પણ કપલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.