લંડનઃ પાર્લામેન્ટરી બહાલી વિના સરકાર ઈયુમાંથી બહાર નીકળવા વાટાઘાટો માટે આર્ટિકલ-૫૦નો અમલ કરી શકે નહિ તે મુદ્દે કાનૂનીયુદ્ધ અનિવાર્ય જણાય છે. બ્રિટિશ નાગરિકો ઈન્વેસ્ટમેન્ટ મેનેજર અને બ્રેક્ઝિટવિરોધી કેમ્પેઈનર જિના મિલર અને હેરડ્રેસર ડેર દેસ સાન્ટોસ દ્વારા થેરેસા સરકારના નિર્ણયને કાનૂની પડકાર અપાયો છે. આ વિવાદની સુનાવણી લંડનમાં ઈંગ્લેન્ડ અને વેલ્સ હાઈ કોર્ટના ત્રણ સીનિયર જજ- લોર્ડ ચીફ જસ્ટિસ લોર્ડ થોમસ, સર ટેરેન્સ એથરટન અને લોર્ડ જસ્ટિસ સેલ્સ દ્વારા કરવામાં આવશે.
ટ્રીટી ઓન યુરોપિયન (TEU)ના આર્ટિકલ-૫૦ હેઠળ બ્રિટન બહાર નીકળી રહ્યું છે તેની સત્તાવાર જાણ બ્રસેલ્સને કરવાનો અધિકાર કોની -પાર્લામેન્ટ કે મિનિસ્ટર્સ- પાસે છે તે વિશે કાનૂની વિવાદ છે. આર્ટિકલ-૫૦ જણાવે છે કે કોઈ પણ સભ્ય દેશ તેની બંધારણીય જરુરિયાત અનુસાર સંગઠન છોડી શકે છે. સરકાર પાર્લામેન્ટને વચ્ચે લાવ્યા વિના આર્ટિકલ-૫૦ હેઠળ બ્રેક્ઝિટ વાટાઘાટોના માર્ગે આગળ વધી રહી છે ત્યારે કાનૂની ચેલેન્જ આપનારા પક્ષકારો કહે છે કે રેફરન્ડમ માત્ર સલાહકારી જ હતો અને કોઈ નિર્ણય હજુ લેવાયો નથી. આ નિર્ણય માત્ર પાર્લામેન્ટ જ લઈ શકે છે અને પાર્લામેન્ટના નિર્ણયની જાણ બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસ કરી શકે છે.
જિના મિલરે કહ્યું હતું કે,‘આ કેસ પ્રાઈમ મિનિસ્ટર દ્વારા ઉપયોગમાં લેવાતી સત્તા અને તેઓ પાર્લામેન્ટની ઉપરવટ જઈ શકે કે કેમ તેવા મૂળભૂત બંધારણીય પ્રશ્નનો ઉત્તર મેળવવા સંબંધિત છે.’ આ કેસ લડવા માટે રસ ધરાવતાં લોકોનાં પક્ષકાર પ્રતિનિધિ ‘ધ પીપલ્સ ચેલેન્જ’ માટે ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જિબ્રાલ્ટર, નોર્ધર્ન આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં રહેતાં ૪,૦૦૦થી વધુ સમર્થકોએ ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. ગુરુવારે દાવેદારોની રજૂઆત પછી સરકાર આગામી સોમવારે પોતાનો પક્ષ મૂકશે અને વધુ સુનાવણી મંગળવારે કરાશે. જજમેન્ટ અનામત રખાય તેવી શક્યતા છે. માર્ચ મહિનાના બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભ થવાની જાહેરાતના પગલે આ કેસમાં હારનારી પાર્ટી કોર્ટ ઓફ અપીલમાં ગયા વિના સીધી જ ડિસેમ્બરમાં યુકેની લંડનસ્થિત સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે તેવી પણ ધારણા છે.