મુંબઈઃ યુએસ ફેડરલ રિઝર્વનાં ચેરમેન જેનેટ યેલેનનું કહેવું છે કે જો બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જશે તો આર્થિક સંકટ ઊભું થશે. તેમણે કહ્યું હતું કે જો ઈયુમાંથી બ્રિટન બહાર નીકળી જવાનું વલણ અપનાવશે તો રોકાણકારોના વલણમાં બદલાવ આવશે. યુકેના યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાને કારણે વિશ્વભરનાં માર્કેટમાં ગંભીર આર્થિક સંકટ ઊભું થવાની શક્યતા છે.
બ્રેક્ઝિટના ડેવલપમેન્ટ પર વૈશ્વિક નાણાકીય બજારોમાં છવાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ જણાવ્યું તે દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને બજારમાં પૂરતી પ્રવાહિતતા જળવાઈ રહે માટે ટેકો આપવા સહિતના તમામ પર્યાપ્ત પગલાં લેશે અને બજારમાં બધું સમુંસૂતરું રહે એની તકેદારી રહેશે. યુરોપિયન યુનિયનમાં રહેવું કે નીકળી જવા માટેના બ્રિટનમાં ચાલી રહેલા લોકમતનું પરિણામ આવે ત્યાં સુધી ભારત સહિત વૈશ્વિક નાણાકીય બજારોમાં અનિશ્ચિતતા સર્જાયેલી રહેશે અને પરિણામ જાહેર થયા બાદ બજારોમાં ભારે ઊથળપાથલ જોવા મળે એવી સંભાવના છે, એમ આરબીઆઇએ એક જણાવ્યું હતું.
આરબીઆઇ બ્રેકઝિટ સહિત વિશ્વ બજારોની દરેક હિલચાલ પર બહુ બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને બધાં જરૂરી પગલાં સમય આવે લેશે. યુરોપિયન યુનિયન સાથેના જોડાણ અંગે બ્રિટનના નિર્ણયની નાણાકીય બજારો અને વિનિમય દરોમાં કેવી અસર પડશે એની ચર્ચા વિશ્વભરમાં ચોરેને ચૌટે થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતનો યુકે સાથે અને ઈયુ સાથે નોંધપાત્ર વેપાર ચાલી રહ્યો છે. ઉપરાંત યુરોપથી દેશમાં મોટા પાયે મૂડીરોકાણ થયેલું છે.