લંડનઃ બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ સાંસદો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રેક્ઝિટને લીધે યુકે કરતાં ઈયુને વધારે ગુમાવવાનું થશે અને ઈયુની આર્થિક સ્થિરતાને વધુ જોખમ છે. બ્રિટનને તેના નાણાકીય સેવા ક્ષેત્રની મજબૂતીને લીધે ઓછું જોખમ છે. યુકેનું અર્થતંત્ર તમામ નિરાશાજનક અંદાજોને વટાવીને અપેક્ષા કરતાં વધુ ઝડપે વિકાસ કરશે. ઈયુ રેફરન્ડમ અગાઉ લીવ વોટના પરિણામો વિશે અપાયેલી સંખ્યાબંધ ગંભીર ચેતવણીઓેને લીધે બ્રેક્ઝિટ અર્થતંત્ર માટે સ્થાનિક ધોરણે સૌથી મોટું જોખમ હવે રહ્યું નથી.
કાર્નીએ અણસાર આપ્યો હતો કે પાઉન્ડમાં થયેલો તીવ્ર ઘટાડો બેંક ઓફ ઈંગ્લેન્ડને ફુગાવા પ્રત્યે આક્રમક વલણ અપનાવશે. ઈયુ સાથે બ્રિટન સંપૂર્ણપણે છેડો ફાડી નાંખશે તેવી જાહેરાત કરતા વડાપ્રધાન થેરેસા મેના વક્તવ્ય પર કરન્સી માર્કેટની રૂખ રહેશે. થેરેસા મેએ સંબોધનમાં જણાવ્યું છે કે બ્રસેલ્સ સાથે યુકે એવી કોઈ સમજૂતી નહિ કરે કે જેનાથી બ્રિટન ઈયુથી અડધું બહાર અને અડધું અંદર રહે. તેમનું આ નિવેદન ઈયુના કોમન માર્કેટથી બ્રિટન અલગ થશે તેને સમર્થન આપે છે, જેનો ઘણી વખત ‘હાર્ડ બ્રેક્ઝિટ’ તરીકે ઉલ્લેખ થયો છે. વડાપ્રધાનના આવા સંકેતોથી કરન્સી માર્કેટમાં ગભરાટ ફેલાયેલો છે.
કાર્નીએ ઉમેર્યું હતું કે બેંક ઓફ ઈંગ્લેન્ડ આવતા મહિને તેના આર્થિક અંદાજમાં સુધારો કરે તેવી ‘વધુ શક્યતા’ છે. આર્થિક મંદીની પોતાની આગાહી સાચી ન પડવા બાબતે કાર્નીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રેફરન્ડમના પગલે અર્થતંત્રને મંદીનું સૌથી મોટું જોખમ જણાતું હતું. ઘણી બાબતો બની હોત જેનાથી નાણાકીય સ્થિરતાને અસર પહોંચી હોત. આટલો સમય ગયા બાદ બ્રેક્ઝિટ સંબંધિત તાત્કાલિક જોખમો ઘટી ગયા છે.