બૈજિંગઃ ચીનની ગ્રીનલેન્ડ કંપનીએ વર્ષ 2010માં દેશના ઉત્તરપૂર્વીય પ્રાંત લિયાઓનિંગમાં દેશના ધનાઢયો માટે મલ્ટિમિલિયોનેર ટાઉનશિપ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એવું મનાતું હતું કે પ્રોજેક્ટ સાકાર થયે સમગ્ર પ્રદેશની રોનક બદલાઇ જશે, પરંતુ થયું છે ધારણાથી વિપરિત. બે વર્ષ પછી - બજેટની મર્યાદા કે પછી ખરીદદારોના અભાવ જેવા કોઇ અગમ્ય કારણસર પ્રોજેક્ટ પડતો મૂકાયો, અને હવે આ સૂચિત ટાઉનશિપ ભૂતિયા નગર તરીકે ઓળખાય છે.
ગ્રીનલેન્ડ કંપનીએ લિયાઓનિંગમાં યુરોપિયન દેશોની તર્જ પર માત્ર બિલિયોનેર્સ માટે 260 ભવ્ય વિલાનો પ્રોજેક્ટ શરૂ કર્યો, પરંતુ કેટલાક કારણોસર પ્રોજેક્ટ અડધા-અધૂરા મકાનો સાથે છોડી દેવાયો. આજે આ નિર્જન સ્થળ કોઇ ભૂતિયા નગરથી ઓછું નથી લાગતું, પરંતુ સમય સાથે તેમાં ફેરફારો પણ થયા છે.
ખેડૂતોએ અડધા અધૂરા વિલા પર કબજો જમાવી લીધો અને ત્યજી દેવાયેલી જમીનો પર ખેતી કરવા લાગ્યા. આજે આ ખંડેર મકાનો જર્જરિત કબર જેવા લાગે છે. ખેડૂતો આ ‘વિલા’માં પ્રાણીઓને ઉછેર કરે છે. ખેડૂતો ઘરોની વચ્ચે અને ઘરોમાં પણ ખાલી પડેલી જમીન પર ખેતી કરે છે. યુરોપિયન શૈલીના નિર્જન મકાનોમાં પ્રાણીઓ ફરતા જોવા મળે છે. ઇમારતોની અંદર નજર કરો તો જાણે કોઇ વેબસિરીઝ જોતાં હો તેવું લાગે.
ઇમારતોનું બેઝિક સ્ટ્રક્ચર જોતાં લાગે છે કે ખરેખર તો ચીનના ધનપતિઓ માટે ધરતી પર સ્વર્ગ ઉતારવા આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. પણ આ પ્રોજેક્ટનું સપનું ધૂળધાણી થઇ ગયું છે.