ભાગેડુ ઝવેરી નીરવ મોદી કાનૂની સકંજામાંઃ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરતી ઇન્ટરપોલ

Thursday 05th July 2018 06:31 EDT
 
 

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરનારા હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદી સામે કાનૂની સકંજો કસાયો છે. ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી છે. હવે નીરવ મોદીની વિદેશમાંથી ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. કરોડો રૂપિયાનાં આ કૌભાંડમાં સંડોવાયેલા નીરવ મોદીના ભાઈ નિશાલ મોદી અને તેમના સાથી સુભાષ પરબને પણ સાણસામાં લેવામાં આવ્યા છે અને તેમની સામે પણ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.
નીરવ મોદી હાલ બ્રિટનમાં છે તેવી જાણ સરકાર દ્વારા જૂનમાં કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદી સામે તપાસ ચલાવાઈ રહી છે. સીબીઆઈએ નીરવ મોદી સામે રેડ કોર્નર નોટિસ બજાવવા ઇન્ટરપોલનો સંપર્ક સાધ્યો હતો. રેડ કોર્નર નોટિસ દ્વારા ઇન્ટરપોલે તેના ૧૯૨ સભ્ય દેશોને નીરવ મોદીની ભાળ મળે કે તરત તેની ધરપકડ કરીને ઇન્ટરપોલને હવાલે કરવા આદેશ આપ્યો છે.
આ પછી તેનાં પ્રત્યર્પણ કે તેને દેશનિકાલ કરવાની કામગીરી હાથ
ધરાશે. સીબીઆઈએ એવી શંકા વ્યક્ત કરી હતી કે નીરવ મોદી બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, સિંગાપુર, બેલ્જિયમ અને યુએઈમાં હોઈ શકે છે. સીબીઆઈએ નીરવ મોદી, તેના ભાઈ નિશાલ મોદી અને તેના મામા મેહુલ ચોકસી તેમજ અન્યો સામે ઇન્ટરપોલની મદદથી ડિફ્યૂઝન નોટિસ પણ બજાવી છે.

શું છે રેડ કોર્નર નોટિસ?

ઈન્ટરપોલ સામાન્ય રીતે સાત પ્રકારની નોટિસ જારી કરતું હોય છે. તેમાંથી છ નોટિસનાં નામ કલરનાં નામ પરથી જ રાખવામાં આવ્યાં છે. રેડ કોર્નર નોટિસ પણ તેમાં જ સ્થાન ધરાવે છે. તે ઉપરાંત બ્લૂ, ગ્રીન, યલો, બ્લેક અને ઓરેન્જ તથા ઈન્ટરપોલ યુએનના નામે નોટિસ જારી કરવામાં આવે છે. રેડ કોર્નર નોટિસને કોઈ પણ સભ્ય દેશના કહેવાથી જારી કરી શકાય છે. તેનો આશય કોઈ પણ સભ્ય દેશને સૂચના આપવાનો હોય છે કે, આરોપી વ્યક્તિની સામે જે-તે દેશમાં અરેસ્ટ વોરંટ જારી થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે રેડ કોર્નર નોટિસ ઈન્ટરનેશનલ અરેસ્ટ વોરંટ નથી, કારણ કે અરેસ્ટ વોરંટ જારી કરવાનો અધિકાર માત્ર જે-તે દેશને જ હોય છે. તેમ છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેને ઈન્ટરનેશનલ અરેસ્ટ વોરંટ જેવું જ માનવામાં આવે છે. ઈન્ટરપોલ આ માટે માત્ર નોટિસ જારી કરે છે, જે સૂચના માગવા પૂરતી હોય છે. તે પોતાના સભ્યોને ધરપકડ માટે મોકલતા નથી અને સભ્ય દેશ પાસે અરેસ્ટની ડિમાન્ડ પણ કરતા નથી.
મહત્ત્વની વાત એ છે કે, આ નોટિસ કાયમી ધોરણે ચાલુ રહે છે તેવું નથી. થોડાક વર્ષ પહેલાં લલિત મોદી સામે આવી નોટિસ જારી કરવામાં આવી હતી. તેમના વકીલે વાંધો ઉઠાવતાં નોટિસ રદ કરવામાં આવી હતી. ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ બજાવવામાં આવ્યા પછી કોઈ પણ અપરાધીને વિશ્વના કોઈ પણ દેશમાંથી પકડી શકાય છે, તેની સામે કાનૂની કાર્યવાહી ચલાવીને તેને ગુનેગાર ઠરાવી શકાય છે. ભારતે જે દેશો સાથે પ્રત્યાર્પણ કરાર (એકસ્ટ્રાડીશન ટ્રીટી) કર્યા છે ત્યાંથી જો તે પકડાશે તો તેનાં પ્રત્યાર્પણની કામગીરી કરવામાં આવશે તેમ અધિકારીઓએ કહ્યું હતું. થોડા દિવસ પહેલાં જ પીએમએલએ કોર્ટ દ્વારા નીરવ મોદીનાં પ્રત્યર્પણને લીલી ઝંડી દર્શાવવામાં આવી હતી.
ઈડીના વકીલ હિતેન વેનેગાંવકરે જણાવ્યું હતું કે, આ આદેશ વિદેશ મંત્રાલયને મોકલવામાં આવશે, જે પછીથી બ્રિટનની સરકારને મોકલવામાં આવશે. ભારત સરકાર દ્વારા નવા બેનામી સંપત્તિ કાયદા હેઠળ બ્રિટન, બેલ્જિયમ અને અન્ય દેશો પાસેથી મોદીનાં પ્રત્યાર્પણની માગણી કરાઈ હતી. સીબીઆઈ કોર્ટે ચાર્જશીટને ધ્યાનમાં લઈને ગયા અઠવાડિયે જ નીરવ મોદીનું ધરપકડ વોરંટ બજાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter