નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાને કોર્ટના તિરસ્કારના કેસમાં ચાર મહિનાની જેલની સજા અને રૂપિયા 2000નો દંડ ફટકાર્યો છે. બેન્ચે કહ્યું કે, ‘દોષિતે સજા કાપવી જરૂરી છે કારણે કે, માલ્યાને કોઈ પશ્ચાતાપ નથી.’ માલ્યા દંડ નહીં ભરે તો વધારાની બે મહિનાની સજા પણ કાપવી પડશે.
માલ્યા વર્ષ 2017માં કોર્ટથી માહિતી છુપાવવાના કારણસર કોર્ટના તિરસ્કારના કેસમાં દોષિત ઠર્યો છે. ટોચની અદાલતે 10 માર્ચના રોજ આ કેસમાં ચુકાદો અનામત રાખતાં જણાવ્યું હતું કે માલ્યા સામેની કોર્ટ કાર્યવાહીની હવે ચરમસીમા આવી ગઈ છે.
સુપ્રીમ કોર્ટે તે સાથે જ માલ્યાને ચાર સપ્તાહની અંદર 8 ટકા વ્યાજ સાથે ચાર કરોડ ડોલર (અંદાજે 317 કરોડ રૂપિયા) પરત ચૂકવવા પણ ફરમાવ્યું હતું. માલ્યાએ આ રકમ પોતાના બાળકોના વિદેશી બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.
માલ્યા આમ કરવાનું ચૂકશે તો તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ યુ.યુ. લલિત, જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંસુ ધુલિયાએમ ત્રણ ન્યાયમૂર્તિની બનેલી બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.