રોસોઃ ભારતની પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે રૂ. 13,000 કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરીને વિદેશમાં ભાગી જનાર હીરાના વેપારી મેહુલ ચોકસીને હવે પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત લાવવાનું મુશ્કેલ બની ગયું છે. ભારતમાંથી ફરાર થઈને એન્ટિગુઆ-બાર્બુડામાં આશરો લેનાર મેહુલ ચોકસીને ત્યાંથી બહાર નહીં લઈ જઇ શકાય તેવો ચુકાદો એન્ટિગુઆ-બાર્બુડાની કોર્ટ દ્વારા અપાયો છે. આને કારણ મેહુલ ચોક્સીને ભારતમાં લાવવાની ઝુંબેશને ફટકો પડ્યો છે.
એન્ટિગુઆ-બાર્બુડાની કોર્ટે શુક્રવારે મેહુલ ચોકસીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. સાથોસાથ મેહુલ ચોકસીનું બળજબરીથી અપહરણ કરવાનાં કેસની તપાસ કરવા કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, એન્ટિગુઆનાં એટર્ની જનરલ તેમજ પોલીસ ચીફ ચોક્સી સામે કરાયેલા કેસની તપાસ કરવાની કોર્ટની જવાબદારી છે આથી મેહુલ ચોકસીને ક્યાંક બહાર લઈ જઈ શકાશે નહીં. ચોકસીએ શંકા વ્યક્ત કરી હતી કે જો તેને ભારતમાં લઈ જવામાં આવશે તો તેની સાથે અમાનવીય વર્તન કરાશે અને આકરામાં આકરી સજા કરાશે.
મેહુલ ચોકસી દ્વારા તપાસની માગણી
એન્ટિગુઆ-બાર્બુડાની કોર્ટમાં મેહુલ ચોકસીએ તેને આ કેસમાં રાહત આપવાની માગણી કરી હતી. તેણે દલીલો કરી હતી કે 23 મે 2021ના રોજ એન્ટિગુઆ-બાર્બુડાથી તેનું બળજબરીથી અપહરણ કરાયું હતું. આ ઘટનાની તપાસ કરવામાં આવે. કોર્ટે આ કેસને ગંભીરતાથી લીધો હતો અને મેહુલ ચોક્સીને એન્ટિગુઆ-બાર્બુડાથી બહાર નહીં લઈ જવા ફરમાન કર્યું હતું. ડોમિનિકન પોલીસ તપાસ કરે કે ચોક્સીને તેની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી ડોમિનિક લાવવામાં આવ્યો હતો કે કેમ?
સીબીઆઈ દ્વારા ચોક્સી સામે કેસ
સીબીઆઈએ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,000 કરોડનાં છેતરપિંડી કૌભાંડમાં મેહુલ ચોક્સી તેમજ અન્યો સામે 15 ફેબ્રુઆરી 2018નાં રોજ કેસ કર્યો હતો. આ પછી ચોક્સી ભારત છોડીને ભાગી ગયો હતો. ઇન્ટરપોલ દ્વારા તેની સામે અગાઉ રેડ કોર્નર નોટિસ બજાવાઈ હતી જે ગયા મહિને પાછી ખેંચી લેવાતા ભારતને આ કેસમાં ફટકો પડ્યો હતો.