નવી દિલ્હીઃ સીબીઆઈએ બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂ. ૮૨.૫૫ કરોડની કથિત છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલા હીરાના વેપારી જતીન મહેતા, વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી તથા જોર્ડનના નાગરિક હાથયમ સલમાન અલી ઓબેદાની વિરુદ્ધ નવેસરથી કેસ દાખલ કર્યો છે. સીબીઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્સીએ વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી, કંપનીના તત્કાલીન ડાયરેક્ટર મહેતા, જોર્ડનના નાગરિક ઓબૈદા, ફોરએવર ડાયમંડ અને બેંક ઓફ ઈન્ડિયાના અજાણ્યા અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો છે. તાજેતરના અહેવાલ અનુસાર જતીન મહેતા દેશ છોડીને ભાગી ગયા ત્યારે આ કેસ સપાટી પર આવ્યો હતો. હાલમાં તે કેરેબિયનના કોઈ દ્વીપમાં રહેતા હોવાના સમાચાર છે.
એજન્સીએ અત્યાર સુધીમાં મહેતા વિરુદ્ધ બેંક છેતરપિંડી સાથે સંકળાયેલ કુલ છ એફઆઈઆર દાખલ કરી છે.