નવી દિલ્હી તા.3 – વર્લ્ડ બેન્કનો અંદાજ છે કે ભારતીય અર્થતંત્ર 2024માં 7.5 ટકાનો ગ્રોથ દર્શાવશે. અગાઉ તેણે 6.3 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો. આમ, તેમાં 1.2 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. વર્લ્ડ બેન્કે તેના લેટેસ્ટ સાઉથ એશિયા ડેવલપમેન્ટ અપડેટમાં કહ્યું હતું કે સાઉથ એશિયાનો સરેરાશ જીડીપી ગ્રોથ 2024માં 6 ટકા રહેશે અને 2025માં તેનો ગ્રોથ 6.1 ટકા રહેશે તેવો અંદાજ છે. ભારતના મજબૂત ગ્રોથ અને બીજી તરફ પાકિસ્તાન અને શ્રીલંકામાં રિકવરી જોવાશે તેમ તેણે કહ્યું છે. રિજન મુજબ વિશ્વમાં સાઉથ એશિયા આગામી બે વર્ષ સુધી સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવતું રિજન રહેશે. રિપોર્ટ મુજબ ભારતમાં 2023-24નો જીડીપી ગ્રોથ 7.5 ટકા રહેશે અને મધ્યમ ગાળામાં તેનો ગ્રોથ 6.6 ટકા જળવાઈ રહેશે. સર્વિસીઝ અને ઈન્ડસ્ટ્રી ગ્રોથ મજબૂત રહેશે.
બાંગ્લાદેશનો ગ્રોથ 2024-25માં 5.7 ટકા રહેશે તેવો અંદાજ છે અને ત્યાં ફુગાવો ઊંચો રહેશે. ફોરેન એક્સચેન્જને કારણે આર્થિક પ્રવૃત્તિ પર નિયંત્રણો જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનો ગ્રોથ 2024-25માં 2.3 ટકા રહેવાનો અંદાજ છે. શ્રીલંકામાં 2025માં 2.5 ટકા ગ્રોથ જોવા મળશે તેવો અંદાજ છે. ત્યાં રિઝર્વ, રેમિટન્સ અને ટુરિઝમમાં વૃદ્વિ જોવા મળી રહ્યા હોવાનું વર્લ્ડ બેન્કે કહ્યું હતું.