અબુધાબી: ફ્રાન્સનો બે દિવસનો પ્રવાસ પૂરો કરીને ભારતનાં વડા પ્રધાન મોદી શનિવારે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) પહોંચ્યા હતા, જયાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુએઇનાં રાષ્ટ્રપતિ ભવન કસર અલ વતનમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાકધાન દ્વારા મોદીને ઉષ્માભેર આવકારમાં આવ્યા હતા. તેમણે મિત્રતાનાં પ્રતિકરૂપે મોદીને ફ્રેન્ડશિપ બેન્ડ બાંધ્યો હતો. બંને નેતાઓ વચ્ચે સર્વગ્રાહી દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી.
મોદીએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેનાં સંબંધો પહેલા કરતા ઘણા ગાઢ બન્યા છે. દરેક ભારતીય એને સાચા દોર તરીકે જોઈ રહ્યા છે. અબુધાબીનાં એરપોર્ટ પર યુએઇનાં ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદે તેમને આવકાર્યા હતા. મોદીનાં સ્વાગતમાં બુર્ઝ ખલિફા ભારતનાં ત્રિરંગાથી ઝળહળી ઊઠ્યો હતો. બુર્ઝ ખલિફા પર મોદીની તસવીર સાથે વેલકમ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર એવું લખાણ અંકિત કરાયું હતું. મોદીની યુએઇ માટેની આ પાંચમી મુલાકાત હતી.
ડોલરનું મહત્ત્વ ઘટશે, વેપાર વધશે
મોદી અને યુએઇનાં રાષ્ટ્રપતિ વચ્ચે સર્વગ્રાહી વિષયો પર મંત્રણાઓ પછી ભારત અને યુએઇ વચ્ચે એકબીજાની કરન્સીમાં વેપાર કરવા કરાર કરવામાં આવ્યા હતા. ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ્સને લિન્ક કરવામાં આવી હતી, ઇન્ડિયન યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસને ગલ્ફ કન્ટ્રીનાં ઈન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ (IPP) સાથે લિન્ક કરવાથી બંને દેશો વચ્ચે વેપાર કરવાનું વધુ આસાન બનશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બન્ને દેશો વચ્ચે ડોલરમાં આર્થિક વ્યવહાર થતો હતો. જોકે હવે વેપારમાં લોકલ કરન્સીનો ઉપયોગ વધતાં ડોલરનું મહત્ત્વ ઘટશે સાથે સાથે જ વેપાર પણ વધુ સરળ બનશે.
આ ઉપરાંત અબુધાબીમાં આઇઆઇટી-દિલ્હીનું કેમ્પસ ખોલવા કરાર કરાયા હતા. બંને નેતાઓની હાજરીમાં કેટલાક કરાર કરવામાં આવ્યા હતા. બંને નેતાઓ વચ્ચે એનર્જી, ફૂડ સિક્યોરિટી અને ડિફેન્સ જેવા મુદ્દાઓ પર વાતચીત થઈ હોવાનું માનવામાં આવે છે. મોદીએ યુએઇની નેશનલ ઓઇલ કંપનીનાં સીઇઓ સુલતાન અલ ઝબ્બેર સાથે પણ વાતચીત કરી હતી.
યુએઇ ભારતનું ત્રીજા નંબરનું સૌથી મોટું વેપારી ભાગીદાર
યુએઇ ભારતનું સૌથી મોટું ત્રીજા નંબરનુ વેપારી ભાગીદાર છે. બંને દેશો વચ્ચે રૂ. ૬ લાખ કરોડથી વધુનો વેપાર થઈ રહ્યો છે. જેમાં યુએઇને ભારતમાંથી રૂ. 2 લાખ કરોડની ચીજવસ્તુઓ આયાત કરી છે. આમ છતાં યુએઇ સાથેનો વેપાર ખાધમાં ચાલી રહ્યો છે. ભારત યુએઇ પાસેથી આયાત વધારે કરે છે અને નિકાસ ઓછી કરે છે.
ભારત- યુએઈ વચ્ચે ત્રણ સમજૂતી
મોદીએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 20 ટકા સુધી વધ્યા છે. જે 85 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 6 લાખ કરોડ પર પહોંચ્યો છે, જે ટૂંક સમયમાં વધીને 100 બિલિયન ડોલર એટલે કે રૂ. 8 લાખ કરોડ સુધી પહોંચશે તેની મને ખાતરી છે. મને આપને મળીને ખુબ આનંદ થયો છે. આપ દ્વારા મારું જે રીતે સન્માન કરાયુ છે તે આપણી વચ્ચેના ભાઈચારાને પ્રતિબિંબિત કરે છે. અને આપણી ભાગીદારીને મજબૂત કરવા નવી પહેલ કરી રહ્યા છીએ. એકબીજાની કરન્સીનો ઉપયોગ કરવા થયેલા કરાર પછી બંને દેશ વચ્ચેના આર્થિક સહયોગ વધુ મજબુત બન્યો છે. ગયા વર્ષે બંને દેશોએ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ કરાર કર્યા હતા. મોદીની મુલાકાત વખતે આરબીઆઇ અને સેન્ટ્રલ બેન્ક વચ્ચે ભારતીય રૂપિયામાં તેમજ યુએઇના ચલણ દિરહામમાં વેપાર કરવા સમજૂતી કરાર કરાયા હતા. જેનો હેતુ ક્રોસ બોર્ડર વેપારી ટ્રાન્ઝેક્શન વધારવાનો છે. આ ઉપરાંત પેમેન્ટની સરળ બનાવવા તેમજ મજબૂત આર્થિક સહયોગ સાધવાનો છે. લોકલ કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ (LCSS)માં કરન્ટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન તેમજ કેપિટલ એકાઉન્ટના વ્યવહારો આવરી લેવાયા છે.