નવી દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાને ફરી એક વાર પાકિસ્તાનના પેંતરાને નિષ્ફળ બનાવ્યો છે. અફઘાનિસ્તાન સાથેની વિદેશ નીતિ મુદ્દે પાકિસ્તાનને સરેઆમ નિષ્ફળતા મળી રહી છે એ વાત હાર્ટ ઓફ એશિયા બેઠકમાં સાબિત થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અફઘાન પ્રમુખ અશરફ ઘાનીએ રવિવારે દ્વિપક્ષીય બેઠકમાં બન્ને દેશો વચ્ચે વેપાર માટે એક એર કોરિડોર બનાવવા મુદ્દે સંમતિ દર્શાવી છે.
વિદેશ બાબતોના નિષ્ણાતોના મતે, ભારત અને અફઘાનિસ્તાનની એર કોરિડોરની જાહેરાતથી પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાશે કારણ કે આ બંને દેશે વેપાર માટે એક કોરિડોર બનાવવા પાકિસ્તાન પાસે જમીન માર્ગની માગણી કરી હતી. જોકે, આ માગણી પાકિસ્તાન સરકારે ફગાવી દીધી હતી.
દરમિયાન ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે યોજાયેલી બેઠકમાં દ્વિપક્ષીય વેપાર, મૂડીરોકાણ, અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા તૈયાર કરાવાઈ રહેલી માળખાગત સુવિધા અને સુરક્ષા જેવા મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી. એટલું જ નહીં, બંને દેશ જેમ બને એમ ઝડપથી એર કોરિડોરનું કામકાજ પૂરું કરીને દ્વિપક્ષીય વેપાર ચાલુ કરી શકે એ માટે દરેક સ્તરે ઝડપથી કામ પૂરું કરવા પણ બન્ને દેશના નેતાઓએ સંમતિ વ્યક્ત કરી હતી.