નેપાળના વડા પ્રધાન કે. પી. ઓલીએ ૧૬મી નવેમ્બરે ભારતને જણાવ્યું હતું કે, ભારત નેપાળની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે તો બંને દેશના સંબંધો વધુ સારા રહેશે. નેપાળનું બંધારણ તૈયાર કરવું તે નેપાળનો આંતરિક પ્રશ્ન છે અને નેપાળ તેને સારી રીતે સમજે છે અને તેનો ઉકેલ લાવી શકે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા બ્રિટનના પ્રમુખ કેમરુને ૧૩મી નવેમ્બરે સંયુક્ત સંબોધન કર્યું હતું કે, નેપાળનું બંધારણ સ્થાયી અને સમાવેશી હોવું જોઈએ. એ પછી નેપાળના વડા પ્રધાને ભારતના વડા પ્રધાન પ્રત્યે આ પ્રતિક્રિયા આપી હતી.
• જનમત સંગ્રહ કાશ્મીર મુદ્દાનો એકમાત્ર ઉકેલ છે, નવાઝ શરીફઃ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે કાશ્મીર મુદ્દા વિશે જણાવ્યું છે કે આ મુદ્દાનો એક માત્ર ઉકેલ જનમત સંગ્રહ છે. તેમણે કાશ્મીરની ભાગલાવાદી મહિલા નેતા અને દુખ્તારાન-એ-મિલ્લતનાં વડાં આસિયા અન્દ્રાબીને સંબોધીને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે લોકમત કાશ્મીર મુદ્દાનો એકમાત્ર ઉકેલ છે. સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ અન્દ્રાબીએ નવાઝ શરીફને તેમની પ્રશંસા કરતો એક પત્ર મોકલ્યો હતો.
• તુર્કીમાં ISનો આત્મઘાતી હુમલો, ચાર પોલીસ અધિકારી ઘાયલઃ સીરિયાની સરહદથી નજીક દક્ષિણ તુર્કીમાં પોલીસના દરોડા દરમિયાન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંકવાદીએ પોતાને વિસ્ફોટથી ઉડાવી દેતાં ૧૫મી નવેમ્બરે ચાર પોલીસ અધિકારી ઘાયલ થયા હતાં. એક અધિકારીની સ્થિતિ હાલમાં પણ ગંભીર બતાવવામાં આવી રહી છે. ગર્વનરના કાર્યાલયે જારી કરેલા નિવેદન મુજબ પોલીસે ૧૫મી નવેમ્બરે મોડી રાત્રે ગાઝિયાનતેપ શહેરમાં એક એપાર્ટમેન્ટમાં દરોડા પાડયા ત્યારે આતંકવાદીએ પોતાના શરીર પર બાંધેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ કરી દીધો હતો. તુર્કીના મીડિયા મુજબ ૧૦ ઓક્ટોબરે અંકારામાં આયોજિત શાંતિ રેલીમાં કરાયેલા બે આત્મઘાતી વિસ્ફોટની તપાસ માટે પોલીસે ૧૫મીએ દરોડા પાડયા હતાં.
• ભારત વિરોધી ટિપ્પણી કરનાર નેતાને દ.આ.ની કોર્ટે અટકાવ્યાઃ ક્વાઝુલુનતાલ પ્રાંતમાં ભારતીય મૂળના લોકોની વિરુદ્ધમાં હિંસા ભડકાવવા અને નફરત ફેલાવતાં પ્રવચનો આપતાં એક કટ્ટરવાદી ફોરમના નેતા ફુમલાની મ્ફેકાને દક્ષિણ આફ્રિકાની કોર્ટે નોટિસ આપી હતી અને આવું કૃત્ય ન કરવાની ચિમકી આપી હતી. મ્ફેકાને ક્વાઝુલુ-નતાલ પ્રાંતમાં ભારતીય સમુદાય અથવા કોઈ પણ સમુદાયની વિરુદ્ધમાં હિંસા ભડકાવવા અથવા તેમની સાથે ભેદભાવ કરવાથી અટકાવતાં હાઇકોર્ટના જજ કોબુસ બૂયેન્સે મ્ફેકાને ફેસબુક અને ટ્વિટર સહિત ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાંથી ઉશ્કેરણી ભરી પણ ટિપ્પણીઓ હટાવવા પણ કહ્યું હતું.