નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં ચીન સાથે ચાલતી મડાગાંઠ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે અમેરિકા પાસેથી વધુ ૭૨ હજાર એસોલ્ટ રાઇફલ્સ સહિત રૂ. ૨૨૯૦ કરોડની શસ્ત્રસામગ્રી ખરીદવા મંજૂરી આપી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં મળેલી સંરક્ષણ પ્રાપ્ત પરિષદ (ડીએસી)ની બેઠકે અમેરિકી કંપની એસઆઇજી – સૌર પાસેથી રૂ. ૭૮૦ કરોડના ખર્ચે એસોલ્ટ રાઇફલ્સ ખરીદવા મંજૂરી આપી હતી. ભારતના ૧૩ લાખ સૈનિકોના બનેલા સૈન્યને અગાઉ ૭૨૪૦૦ એસઆઇજી – સૌર રાઇફલ્સની સોંપણી થઇ ચૂકી છે. એસઆઇજી – સૌર કેલિબર રાઇફલ ૫૦૦ મીટરની રેન્જ ધરાવે છે. ફેબ્રુઆરી, ૨૦૧૯માં રૂ. ૬૪૭ કરોડના ખર્ચે તેની ફાસ્ટટ્રેક ખરીદી કરાઈ હતી. ડીએસીએ સોમવારે રૂ. ૯૭૦ કરોડને ખર્ચે સ્થાનિક ધોરણે સ્માર્ટ એન્ટિ એરફિલ્ડ વેપનની ખરીદી તેમજ રૂ. પ૪૦ કરોડના ખર્ચે એચ. એફ. ટ્રાન્સ. રિસીવર સેટની ખરીદી કરવા પણ મંજૂરી આપી છે.
ડિફેન્સ કાઉન્સિલે નવી અધિગ્રહણ પોલિસી હેઠળ ઘણા સંરક્ષણ ઉપકરણોને લીઝ પર લેવાની પણ મંજૂરી આપી છે જેથી હથિયારોની ખરીદીમાં સમય અને કિંમત બચશે. ભારતે આ વર્ષે માર્ચ મહિનામાં ચીન અને પાકિસ્તાન સરહદે તૈનાત પોતાની સેના માટે રૂ. ૮૮૦ કરોડના ખર્ચે ૧૬૪૭૯ ઇઝરાયેલી નેગેવ મશીનગન ખરીદવા પણ ઇઝરાયેલ સાથે કરાર કર્યાં હતાં, પરંતુ એસોલ્ટ રાઇફલ્સ અને લાઇટ મશીનગનની મર્યાદિત સંખ્યામાં થયેલી ખરીદી ભારતીય સૈન્યની જરૂરને આંશિક રીતે જ પોષી શકે તેમ છે. અગાઉ અહેવાલ હતા કે ભારતમાં રશિયન એકે-૨૦૩ કાલ્શ્નીકોવ રાઇફલ વિકસાવવામાં થતા વિલંબથી સૈન્ય વધારાની ૭૨ હજાર એસઆઇજી – સૌર રાઇફલ માટે ઓર્ડર આપવાની તૈયારીમાં છે.