નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલી ચર્ચામાં બંને પક્ષોએ થોડા-થોડા પગલાં પાછા ખેંચવા માટે તૈયાર હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે, અમેરિકાના વાણિજ્ય પ્રતિનિધિ બ્રેન્ડન લિંચની ટીમે બીજી એપ્રિલથી લાગુ થનારા ટેરિફની જાહેરાત પર અમલ કરશે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ આયાત શુલ્ક ઘટાડવા માટે મોટેભાગે સહમતી દર્શાવી છે, જેનાથી લગભગ 100 બિલિયન ડોલરનો આયાત-નિર્યાત પ્રભાવિત થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત કૃષિ અને ડેરીને છોડીને અનેક વસ્તુઓમાં આયાત શુલ્ક શૂન્ય પર લાવવા માટે સહમત થયું છે. તેના બદલે, અમેરિકા પણ ભારતમાંથી થનારા આયાત પર એટલા જ ઉત્પાદનો પર શૂન્ય આયાત શુલ્ક લગાવશે. આને ‘શૂન્ય માટે શૂન્ય’ સહમતિ કહેવામાં આવી રહી છે. ભારતે પોતાના 66 બિલિયન ડોલરના નિકાસને જાળવી રાખવા માટે અમેરિકા તરફથી થનારા લગભગ 25 બિલિયન ડોલરના આયાત પર શુલ્કમાં છૂટ આપવાનો સંકેત આપ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની વાત કરી ચૂક્યા છે. સૂત્રોનું કહેવું છે કે જો અમેરિકા પોતાની જાહેરાત પર અમલ કરે તો તે તેટલું કઠોર નહીં હોય, જેનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ પણ શક્ય છે કે અમેરિકા આ રેસિપ્રોકલ ટેરિફનો ઉપયોગ વ્યાપક સમજૂતીની શરતોને પ્રભાવિત કરવા માટે મોલભાવ તરીકે કરશે.
ચર્ચા દરમિયાન ભારત અને અમેરિકન વચ્ચે વ્યાપક માળખું અને ફ્રેમવર્ક તૈયાર કરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો. આ દિશામાં મજબૂત પ્રગતિ થઇ છે. આ વ્યાપક સમજૂતી પર સપ્ટેમ્બરથી ઓક્ટોમ્બર વચ્ચે હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ વર્ષની અંતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્વાડ શિખર સંમેલનના સંદર્ભમાં ભારત આવશે અને તે દરમિયાન આ મહત્વપૂર્ણ સમજૂતી પર અંતિમ મોહર લાગી શકે છે.
અમેરિકી પક્ષે સ્પષ્ટ કર્યું કે ભારતને વિશેષ વેપાર સહયોગીનો દરજ્જો આપવામાં આવશે અને ટેરિફ અથવા નોન ટેરિફ બેરિયરમાં તેને ચીન, મેક્સિકો અને કેનેડા સાથે નહીં રાખવામાં આવે. ભારત પણ અમેરિકાના વિશિષ્ટ દ્રષ્ટિકોણને અપનાવીને પોતાના આયાત શુલ્કને અમેરિકાની અપેક્ષાઓ અનુસાર સમાયોજિત કરશે. તેમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર મુખ્ય છે. કૃષિ ક્ષેત્રમાં બંને પક્ષ અલગ તંત્ર અપનાવવા પર ચર્ચા ચાલુ રાખશે જેથી ભારતીય ખેડૂતોના હિતોને પ્રભાવિત થવાથી બચાવી શકાય.
ઓટોમોબાઇલ ટ્રેડને બ્રેક
ટ્રમ્પે રવિવારે ઓટોમોબાઈલ ટ્રેડ પર મોટી બ્રેક લગાવી હતી. ટ્રમ્પે વિદેશી ઉત્પાદિત વાહનો અને પાર્ટ્સ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, અમેરિકન કાર ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે આયાત ટેરિફ લાદવો જરૂરી હતો. તેનાથી સપ્લાઈ ચેઈનમાં હાલાકીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ થોડા સમય પછી બધું ઠીક થઈ જશે.
નવા ટેરિફથી અમેરિકી તિજોરીમાં દર વર્ષે લગભગ સાઢા 8 લાખ કરોડ રૂપિયાની વધારાની આવક પ્રાપ્ત થશે. બીજી તરફ, કેનેડાના પીએમ માર્ક કાર્નીએ ઈમ્પોર્ટ ટેરિફને તેમના દેશ પર સીધો હુમલો ગણાવ્યો છે. કાર્નીએ કહ્યું આ નિર્ણય અમેરિકા માટે ઘાતક સાબિત થશે. યુરોપિયન સંઘ (ઈયુ) અને બ્રાઝિલે ઈમ્પોર્ટ ટેરિફને ટ્રમ્પનો આત્મઘાતી નિર્ણય ગણાવ્યો છે.