વોશિંગ્ટનઃ યુએસ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીએ બે દિવસ માટે ભારત આવી રહ્યાં છે. તેમનાં પ્રથમ ભારત પ્રવાસ માટે તેઓ ખૂબ ઉત્સાહિત છે. આ અંગે મેલેનિયાએ ટ્વિટ કર્યું હતું કે, ઇન્ડિયા કોલિંગ. ભારત અને અમેરિકાની ગાઢ મૈત્રીને સેલિબ્રેટ કરવા હું અને પ્રેસિડેન્ટ આતુર છીએ. ભારતના પ્રવાસનું આમંત્રણ આપવા માટે તેમણે ભારતના વડા પ્રધાન મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે, આ મહિનાનાં અંતમાં અમદાવાદ અને નવી દિલ્હીની મુલાકાત કરવા ઉત્સુક છું.
હું અને પ્રેસિડેન્ટ આ ટ્રીપ માટે ઘણાં આતુર છીએ અને ભારત અને અમેરિકા વચ્ચેની મૈત્રીને ઊજવવા તત્પર છીએ. મેલેનિયાએ વડા પ્રધાન મોદીની ટ્વિટમાં ઉપર મુજબ જવાબ આપ્યો હતો. મોદીએ ટ્વિટ કર્યું હતું કે, યુએસ પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડીની ભારત મુલાકાત ઘણી મહત્ત્વની છે. ભારત આપણા માનવંતા મહેમાનોને યાદગાર રીતે આવકારશે. તેમની આ મુલાકાત અમેરિકા અને ભારતની મિત્રતાને વધુ પ્રગાઢ બનાવવા લાંબા ગાળે ઉપયોગી પુરવાર થશે.