નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વચગાળાનો મુક્ત વ્યાપાર કરાર 29ડિસેમ્બરથી અમલી બની ગયો છે. આ સાથે જ ભારતની 6 હજારથી વધુ ચીજવસ્તુઓની નિકાસ પર ઓસ્ટ્રેલિયામાં કોઈ ડ્યૂટી નહીં લાગે. બંને દેશો વચ્ચે ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ઇસીટીએ) પર ગત બીજી એપ્રિલે સહી-સિક્કા થયા હતા.
મુક્ત વેપાર કરાર અમલી બનવા સાથે ઓસ્ટ્રેલિયન માર્કેટમાં કાપડ, લેધર, ફર્નિચર, જ્વેલરી અને મશીનરી સહિત ભારતની હજારો ચીજવસ્તુઓની નિકાસ ડ્યૂટી-ફ્રી થઈ છે. નિકાસકારો અને ઉદ્યોગજગતના દિગ્ગજોના જણાવ્યા અનુસાર આ કરાર આગામી પાંચ વર્ષમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષી વેપાર બમણો કરીને 45થી 50 બિલિયન ડોલરે પહોંચાડવામાં મદદરૂપ થશે.
આ કરારથી શ્રમપ્રધાન ક્ષેત્રોને સૌથી વધુ લાભ થશે, જેમાં કાપડ અને વસ્ત્રો, કૃષિ અને મત્સ્યોદ્યોગ, જૂતાં, ફર્નિચર, સ્પોર્ટ્સ ગૂડ્સ, જ્વેલરી, મશીનરી અને વીજળીના સામાનનો સમાવેશ થાય છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સ્પોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના ઉપાધ્યક્ષ ખાલિદ ખાને કહ્યું કે ઓસ્ટ્રેલિયા ભારતીય છે. કરાર અમલી બન્યાના દિવસથી જ ભારતીય નિકાસકારોને વિપુલ તકો પૂરી પાડશે, કેમ કે લગભગ 96.4 ટકા નિકાસ માટે ઝીરો ડ્યૂટી ઓફર કરાઈ છે.