વાનકુંવરઃ ભારત અને કેનેડા વચ્ચે ૪૨ વર્ષના લાંબા અરસા પછી સહકારના નવા યુગનો આરંભ થયો છે. કેનેડાના બે દિવસના પ્રવાસને ઐતિહાસિક ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર અને દ્વિપક્ષીય રોકાણ રક્ષણ સમજૂતી કરાર થશે.
કેનેડા પ્રવાસના અંતિમ ચરણમાં યજમાન વડા પ્રધાન સ્ટિફન હાર્પર દ્વારા આયોજિત સન્માન સમારોહને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે પ્રવાસની મૂલવણી તેની લંબાઇના આધારે નહીં, પણ તેના ઉદ્દેશોના આધારે થાય છે. ભારતીય વડા પ્રધાને ૪૨ વર્ષ પછી કેનેડાની મુલાકાત લીધી હોવાથી આ પ્રવાસ ઐતિહાસિક નથી, પણ આ પ્રવાસના પરિણામે ૪૨ વર્ષ પછી બન્ને દેશો વચ્ચેનું અંતર ઘટ્યું હોવાથી આ એક ઐતિહાસિક પ્રવાસ છે.
મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચે નજીકના ભવિષ્યમાં બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એન્ડ પ્રોટેક્શન એગ્રિમેન્ટ (બીઆઇપીપીએ) અને કોમ્પ્રેહેનસિવ ઇકોનોમિક કો-ઓપરેશન એગ્રિમેન્ટ (સીએફસીએ) પૂર્ણ કરવામાં આવશે.
કેનેડાની કંપનીઓને ભારતમાં રોકાણ કરવાનું આમંત્રણ આપતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર આર્થિક સુધારાઓની દિશામાં બહુ ઝડપથી આગળ વધી રહી છે.
મોદીએ કહ્યું હતું કે ભારત અને કેનેડા ત્રાસવાદને ડામવા સંયુક્ત પગલાં લેશે અને સહયોગને વધુ સંગીન બનાવશે. સાયબર વર્લ્ડ તેમ જ અવકાશમાં રહેલા પડકારોનો પણ સાથે મળીને સામનો કરાશે.
કેનેડાનાં વડા પ્રધાન હાર્પરે કહ્યું હતું કે તેમનાં દેશ દ્વારા પાંચ વર્ષ માટે ભારતને યુરેનિયમ આપવામાં આવશે. ભારત આ પાંચ વર્ષમાં કેનેડા પાસેથી ૩,૦૦૦ ટન યુરેનિયમ ખરીદશે. બીજી તરફ, ભારતે કેનેડાનાં લોકો માટે વિઝા પોલિસી હળવી કરી છે, જે અંતર્ગત તેઓ ૧૦ વર્ષ માટે ભારતના ટૂરિસ્ટ વિઝા મેળવવાના હકદાર બનશે.
આ પ્રસંગે કેનેડાના વડા પ્રધાન હાર્પરે સ્વામી વિવેકાનંદને યાદ કર્યા હતાં. હાર્પરે જણાવ્યું હતું કે ૧૮૯૩માં શિકાગો જતાં પહેલા સ્વામી વિવેકાનંદ અહીં આવ્યા હતા. તેમણે એ વાતનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો કે કેનેડાના વિકાસમાં ભારતવંશી સમુદાયનો સિંહફાળો છે.
ફ્રાન્સ અને જર્મનીના પ્રવાસ પૂરો કરીને બુધવારે કેનેડાના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઓટાવાના એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરાયું હતું. તેમણે કેનેડાના વડા પ્રધાન સ્ટિફન હાર્પર સાથે મંત્રણા કરી હતી. બંને દેશનાં વડા પ્રધાનોની હાજરીમાં કેટલાક કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. બાદમાં બન્ને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. આ મુલાકાતનો હેતુ ભારત-કેનેડા દ્વિપક્ષી સંબંધોને નવી ઊંચાઇએ લઈ જવાનો છે તેમ મોદીએ કહ્યું હતું. કેનેડાનાં અખબાર 'ધ ગ્લોબ એન્ડ મેઇલ'માં મોદીએ તેમના વિચારો રજૂ કર્યા હતા. મોદી ૪૨ વર્ષ પછી કેનેડાની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડા પ્રધાન હતા.
સ્કીલ ઇંડિયાનું નિર્માણ
મોદીએ ગુરુવારે ટોરોન્ટોનાં સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે, અમે ભારતની ઇમેજ સ્કેમ ઇન્ડિયાથી બદલીને સ્કીલ ઇન્ડિયા બનાવવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વાસનો માહોલ બન્યું છે અને અહીંના યુવાધનની મદદથી આપણે કંઇ પણ હાંસલ કરી શકીએ છીએ. આ સંબોધનમાં તેમણે ફ્રાંસ અને કેનેડા યાત્રાની ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી. મોદીએ આઇસ હોકીનાં સ્ટેડિયમમાં આ સંબોધન કર્યું ત્યારે ભારતીય સમુદાયે તેમને રોકસ્ટારની જેમ ચીયર કર્યા હતા. મોદીએ કહ્યું કે, હવે અણુ રિએક્ટર ભારતમાં બનશે અને તેના માટે જરૂરી યુરેનિયમ કેનેડા આપશે.
કાર્યક્રમના આયોજક વડા પ્રધાન હાર્પરે ભારત-કેનેડાની દોસ્તીની કદર કરતા જણાવ્યું કે, મોદી ભારતને વિશ્વગુરુ બનાવવા માંગે છે. તેમની યાત્રા ઐતિહાસિક છે. તો મોદીએ કેનેડાના વડા પ્રધાન હાર્પરનો આભાર માનતા કહ્યું કે, કેનેડા માટે હું ગર્વથી કહી શકું છું કે તેઓ છેક ૨૦૦૩થી ગુજરાતનાં પાર્ટનર હતા.
હિન્દુત્વ ધર્મ નહીં, જીવનશૈલી
શુક્રવારે ટોરોન્ટોથી વાનકુંવર પહોંચેલા મોદી અને હાર્પર ગુરુદ્વારા પહોંચ્યા હતા જ્યાં તેઓ પ્રાર્થનાસભામાં સામેલ થયા હતા. ગુરુદ્વારામાં લોકોને સંબોધતા મોદીએ કહ્યું કે કેનેડામાં વસેલા શીખ સમુદાયે અહીં ભારત માટે સન્માન હાંસલ કર્યું છે. તેમણે ગુરુ નાનકના ઉપદેશો અને શહીદ ભગત સિંહ સહિત ભારતની આઝાદીની લડાઈમાં શીખોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
અહીંથી મોદી અને હાર્પર લક્ષ્મીનારાયણ મંદિરે ગયા હતા જ્યાં તેમણે કહ્યું હતું, ‘ભારતમાં સુપ્રીમ કોર્ટે હિન્દુ ધર્મની એક મોટી પરિભાષા આપતા કહ્યું છે કે હિન્દુ કોઈ ધર્મ નથી, પણ તે એક જીવનશૈલી છે. હું માનું છું કે સુપ્રીમ કોર્ટની પરિભાષા માર્ગ દર્શાવે છે. જે જીવનની નાની સમસ્યાઓના સમાધાનનો માર્ગ બતાવી શકે છે.’
વિરોધ-પ્રદર્શન
વાનકુંવરમાં ગુરુદ્વારા અને મંદિરની મુલાકાત માટે મોદી પહોંચ્યા ત્યારે દેખાવકારોએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ ૨૦૦૨ના ગુજરાતના કોમી રમખાણોનો મુદ્દે દેખાવ કરતા હતા.
સંયુક્ત નિવેદનના મુદા
• ભારતે કેનેડાનાં લોકો માટે વિઝા નીતિ હળવી બનાવી • કેનેડા સાથે મળીને ભારત આર્થિક સહયોગની નવી રૂપરેખા ઘડશે • કેનેડાનાં વડા પ્રધાન હાર્પરની દીર્ઘદૃષ્ટિ અને નેતૃત્વને કારણે બંને દેશો વચ્ચેનાં સંબંધોને નવી દિશા મળશે • ભારત અને કેનેડા વચ્ચે વેપારવણજને વિસ્તારવાની વિપુલ સંભાવનાઓ • કેનેડામાં ભારતીય લોકોએ જ્વલંત સફળતા મેળવી છે. ભારતનાં સમૃદ્ધ કલ્ચરને અહીં લાવવામાં આવ્યું છે.