નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા મંગળવારે ૫૩૫ને પાર થઈ ગઈ છે, જ્યારે દેશમાં ૧૦ લોકોનાં મોત નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૧૦૭ કેસની પુષ્ટી થઈ હતી. બીજા નંબરે કેરળ છે. સાથે જ મંગળવારે મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. ૨૩ વર્ષીય સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. સંક્રમણને ફેલાવાથી રોકવા માટે ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પરી રીતે લોકડાઉનની જાહેરાત કરી છે. દેશમાં ૧૨ લેબોરેટરીની ચેન રજિસ્ટર કરાઈ છે અને કામગીરી શરૂ કરાઈ છે. આ ૧૨ લેબોરેટરી દેશમાં ૧૫,૦૦૦ કલેક્શન કેન્દ્રો ધરાવે છે. બીજી તરફ પંજાબમાં ૯૦ હજાર એનઆરઆઈને કોરોનાના ચેપની શક્યતા હોવાથી કેન્દ્ર પાસે પેકેજની માગ કરાઈ છે. કોંગ્રેસના હાલના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોના વાઈરસ અંગે વડા પ્રધાન મોદીને પત્ર લખીને રાજ્યના મકાન અને બાંધકામ કામદારોને વેતનની સહાય આપવાની વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે કજાકિસ્તાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ અધિકારીઓને પરત ભારત લાવવા માટેનો આગ્રહ કર્યો છે. ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું કે, તે હાલની સ્થિતિને કારણે ફસાઈ ગયા છે, તેમને બુક કરેલી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. વિદ્યાર્થી એરપોર્ટ પાસે જ ભાડાના ઘરમાં રહે છે. કારણ કે તેમની હોસ્ટેલ એરપોર્ટથી ઘણી દૂર છે.
મહેબૂબાને છોડવા વિનંતી
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તિની પુત્રી ઇલ્તિજાએ દેશભરની જેલમાં બંધ કાશ્મીરના કેદીઓને છોડવાની માગ સાથે માતેને પણ નજરબંધમાંથી મુક્ત કરવા માગ કરી છે.
દિલ્હીઃ દર્દીની સંખ્યા ઘટી
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોના વાઈરસથી બચાવ માટે દિલ્હીમાં કર્ફ્યૂ લગાવાયો છે. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો
ગોવામાં દૂધ મળશે
ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું કે, લોકડાઉનમાં સરકાર જરૂરી સામાન વહેંચવાની વ્યવસ્થા કરશે. પૂરતા પ્રમાણમાં લોકોને દૂધ મળે તે માટે ગોવા ડેરી પૂરવઠો સુનિશ્વિત કરશે.
મધ્યઃ ફ્લાઈટ્સ બંધ
મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર અને શિવપુરીમાં ૨ કોરોના પોઝિટિવ મળવાથી સંક્રમિતો આંકડો ૯એ પહોંચ્યા પછી વધુ ચિંતા ફેલાઈ છે. આ પહેલાં જબલપુર અને ભોપાલમાં પણ કેસ નોંધાયા હતા. મધ્ય પ્રદેશ સરકારે મંગળવાર રાતથી નેશનલ ફ્લાઈટ્સ પણ બંધ કરી દીધી હતી. રાજ્યમાં પ્રભાવિત દેશમાંથી આવેલા ૧૨૭૦ની ઓળખ કરીને તેમની સ્વાસ્થ્યની સ્થિતિ ચકાસવાની તૈયારી કરાઈ હતી.
૪૪૦ ડોક્ટર એપોઈન્ટ
હરિયાણામાં પણ કોરોનાનો કેસ નોંધાતાની સાથે જ સરકારે પસંદ કરેલા ૪૪૦ ડોક્ટરોને તાત્કાલિક એપોઈન્ટમેન્ટ લેટર આપ્યા હતા.
વિદ્યાર્થીઓની ચિંતા
છત્તીસગઢના ૫૦૦ મેડિકલ સ્ટુડન્ટ્સ મધ્ય એશિયાના કીર્ગિસ્તાનમાં ફસાઈ ગયા હોવાથી તેમને ભારત લાવવા મદદ માગી છે. આ વિદ્યાર્થીઓમાં રામાનુજગંજથી કોંગ્રેસ ધારાસભ્ય બૃસ્પત સિંહનો દીકરો પણ સામેલ છે. રાજ્ય સરકારે મે સુધી રાશન આપવા અને ૩૧ માર્ચ સુધી વીજળી બિલ રીંડિગ પર લગાવવા જેવી જાહેરાત કરી છે.
બિહારમાં બેફિકરી
રાજસ્થાન અને બિહારમાં લોકડાઉન વચ્ચે પણ લોકો ઘરની બહાર ટહેલતા હતા. બંને રાજ્યોની સરકારે કામ વગર બહાર નીકળનારા સામે આકરા પગલાં લેવાશેની જાહેરાત કરી હતી.
તમિલમાં તબીબો ખડેપગે
તમિલનાડુમાં ૧૨થી વધુ કેસ નોંધાયા બાદ મેડિકલ વિભાગ ખડે પગે રહે છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીએ ડોક્ટર અને મેડિકલ સ્ટાફ સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓને એક મહિનાનો વધારાનો પગાર આપવાની જાહેરાત કરી છે.