ભારત-ચીન કેટલાક વિવાદિત સરહદીય પોઇન્ટ પરથી પોતાની સેના હટાવશે

Tuesday 10th November 2020 14:54 EST
 
 

નવી દિલ્હીઃ ભારત - ચીન દ્વારા લદાખ સરહદે સંઘર્ષવાળા કેટલાક વિવાદિત પોઈન્ટ પરથી ટૂંક સમયમાં સેના હટાવવાનું શરૂ કરાશે તેવા અહેવાલ છે. બંને દેશો વચ્ચે છેલ્લા ૬ મહિનાથી લદાખ બોર્ડર પર મડાગાંઠ સર્જાઈ છે. તબક્કાવાર કેવી રીતે સેના હટાવવી તે મુદ્દે નિશ્ચિત કાર્યપદ્ધતિ નક્કી કરાશે. જોકે ભારતે આ મુદ્દે સાવધાનીભર્યું વલણ અપનાવ્યું છે અને જે કંઈ સંમતિ સધાય તેનો શબ્દસઃ નક્કર અમલ કરવા સતત માગણી કરાઈ છે. કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીતમાં બંને દેશોએ ખાસ કરીને ટેન્કો અને લશ્કરી સશસ્ત્ર વાહનોને હાલની પોઝિશન પરથી ખસેડવા ચર્ચા કરી હતી. થોડા દિવસોમાં આ દિશામાં નક્કર પ્રગતિ સધાઈ શકે છે. ભારતે શૂન્યથી નીચે તાપમાનમાં ચીનની સેનાનો સામનો કરવા ઉંચાઈઓ પર ૫૦,૦૦૦થી વધુ સૈનિકો ખડક્યા છે.
LAC બદલવાની કોઈ હરકત ભારત સાંખી લેશે નહીં
LACમાં સર્જાયેલા સરહદી વિવાદના ઉકેલ માટે ભારત - ચીનના અધિકારીઓ વચ્ચે આઠમા રાઉન્ડની મંત્રણાના પ્રારંભ સમયે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે નેશનલ ડિફેન્સ કોલેજની ડાયમંડ જ્યુબિલી ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં છઠ્ઠી નવેમ્બરે જણાવ્યું હતું કે, લદ્દાખ સેક્ટરમાં ચીન સાથે સર્જાયેલા સરહદી વિવાદ મધ્યે ભારત LAC બદલવાની કોઇ પણ હરકત સાંખી લેશે નહીં.
રાવતે જણાવ્યું કે, સુરક્ષાની સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લેતાં સરહદી વિવાદ, ઘૂસણખોરી અને કોઇપણ પ્રકારના મોટા યુદ્ધમાં પરિવર્તિત થતા ઉશ્કેરણી વિનાનાં વ્યૂહાત્મક લશ્કરી પગલાંને હળવાશથી લઇ શકાય નહીં. પૂર્વ લદ્દાખમાં એલએસી પર સ્થિતિ તણાવપૂર્ણ છે અને ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબના કારણે લદ્દાખમાં ચીની સેના તેના દુઃસાહસનાં પરિણામોનો સામનો કરી રહી છે. ચીની સેનાની ઘૂસણખોરીનાં કારણે સ્થિતિ તણાવપૂર્ણ છે.
૮મા રાઉન્ડની મંત્રણા
સરહદી વિવાદના ઉકેલ માટે ભારત અને ચીન વચ્ચે છઠ્ઠી નવેમ્બરે આઠમા રાઉન્ડની મંત્રણા શરૂ થઇ હતી. મંત્રણામાં ભારતે સ્પષ્ટ માગ કરી કે, ચીની સેના એપ્રિલ મહિના પહેલાંની સ્થિતિ પર પાછી ખસી જાય. બીજી તરફ ચીને માગ કરી કે ભારત પહેલાં પેંગોંગ લેકના દક્ષિણ કિનારા પરથી પીછેહઠ કરે. અગાઉની મંત્રણાઓમાં પણ ચીન ભારતીય સેના પાછી હટે તેવી માગ કરી ચૂક્યો છે, પરંતુ ભારતે ચીનની તમામ માગ ફગાવી
દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter